ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત 20 વર્ષ જૂનો ઝઘડો ભૂલીને જાહેરમાં એકબીજાને પ્રેમપૂર્વક ગળે મળતાં તેમના ચાહકો ખુશ થઈ ગયા છે. બંનેના કેરિયરની માઈલસ્ટોન સમાન ફિલ્મ ‘મર્ડર’નાં શૂટિંગ વખતે જ તેમની વચ્ચે ખટરાગ સર્જાયો હતો અને સમય વહેતાં તે અબોલામાં પરિણમ્યો હતો. વીતેલા સપ્તાહે આ બન્ને કલાકારો ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં આ બંને કલાકારો મળી ગયા હતા અને એકમેકને જોઈ ઉમળકાથી ભેટી પડયા હતા. આ વીડિયો બહુ વાયરલ થયો છે. બંનેએ હસતા મુખે તસવીરકારોને પોઝ પણ આપ્યો હતો. ‘મર્ડર’ની જોડીનાં રિયુનિયનને ચાહકોએ પણ વધાવ્યું હતું. કેટલાય ચાહકોએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે હવે આ જોડીએ ફરી સાથે ફિલ્મો કરવી જોઈએ.
2021ના એક ઇન્ટરવ્યુમાં મલ્લિકાએ તેમની તકરારને બાલીશ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, અમે બન્નેએ ‘મર્ડર’ ફિલ્મ દરમિયાન અને પછી વાતચીત જ નહોતી કરી એ સાવ બાળક જેવું વર્તન હોવાનું હવે મને લાગી રહ્યું છે. અમારા વચ્ચે ગેરસમજ થઇ હતી અને અમે વાતચીત બંધ કરી દીધી હતી.
‘મર્ડર’ ફિલ્મ પછી ઈમરાન હાશ્મીને સિરિયલ કિસરનું ટેગ મળ્યું હતું અને તે પછી તેણે સંખ્યાબંધ રોમાન્ટિક ફિલ્મો કરી હતી. જોકે, તે ક્યારેય મેઈન સ્ટ્રીમનો સકસેસફૂલ કોમર્શિયલ સ્ટાર બની શક્યો ન હતો. જોકે, હવે તેણે એક્શન હીરો તરીકે પોતાની જાતને ટ્રાન્સફોર્મ કરી છે.બીજી તરફ મલ્લિકા શેરાવત ‘મર્ડર’ ફિલ્મનાં બેહદ બોલ્ડ દૃશ્યોને કારણે જાણીતી થઈ હતી પરંતુ એ જ ઈમેજ તેને નડી ગઈ હતી. નિર્માતાઓ તેને એકસરખા રોલમાં જ કાસ્ટ કરવા ઈચ્છતા હતા. ધીમે ધીમે તેને કામ મળતું જ બંધ થઈ ગયું હતું.