ઈલિયાનાને ત્યાં પારણું બંધાયું

Wednesday 09th August 2023 08:02 EDT
 
 

ઈલિયાના ડી’ક્રૂઝ એક પુત્રની માતા બની છે. તેણે નવજાત પુત્રને કોઆ ફિનિક્સ ડોલાન નામ આપ્યું છે. ઈલિયાનાએ ખુદ સોશિયલ મીડિયા પર બાળકની તસવીર શેર કરીને આ વધામણી આપી હતી. તે પછી બોલીવૂડના સહકલાકારો તથા ચાહકોએ તેના પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. સાથે જ હવે એવો પણ ઘટસ્ફોટ થયો છે કે ઈલિયાનાએ તેના બોયફ્રેન્ડ સાથે ગત મે માસમાં જ મેરેજ રજિસ્ટર્ડ કરાવી લીધાં છે.
ઇલિયાનાએ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ અનુસાર તેણે પહેલી ઓગસ્ટે બાળકને જન્મ આપ્યો હતો. તેણે પોતાના પુત્રનાં નામ સાથે તેની તસવીર રજૂ કરતાં લખ્યું હતુંઃ ‘કોઆ ફિનિક્સ ડોલાનને મળો...’ તેણે લખ્યું હતું કે અમારાં બાળકને આવકારતી વખતે અમને કેવી અસીમ ખુશી થઈ છે તે કહેવા માટે મારી પાસે શબ્દો નથી.
તેની આ પોસ્ટ બાદ તરત જ તેના પર અભિનંદનોની વર્ષા થઈ હતી. નરગીસ ફખરી, અર્જુન કપૂર સહિતના કલાકારો તથા ચાહકોએ અભિનંદન પાઠવ્યાં હતાં. ઈલિયાના માતા બન્યાના સમાચાર સાથે વિગતો બહાર આવી હતી કે તે પોતાના બોયફ્રેન્ડ માઈકલ ડોલાન સાથે લગ્ન રજિસ્ટર્ડ કરાવી ચૂકી છે. ગત મે માસમાં રજિસ્ટર્ડ થયેલાં લગ્નનાં સર્ટિફિકેટની નકલો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter