હિન્દી સિનેમાજગતના મહાનાયક અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબર - રવિવારે 84 વર્ષ પૂર્ણ કર્યા છે. પાંચ દાયકા કરતાં વધુ સમયથી ફિલ્મો અને ટેલિવિઝન દ્વારા દર્શકો સાથે જોડાયેલા બિગ બીના જન્મદિવસે મુંબઈસ્થિત તેમના નિવાસસ્થાન ‘જલસા’ બહાર મોટી સંખ્યામાં ચાહકો એકત્ર થયા હતા. તેમણે પોસ્ટર, સોંગ્સ અને ડાન્સ દ્વારા પ્રિય અભિનેતાના જન્મદિવસની ધમાકેદાર ઉજવણી કરી હતી. બિગ બીએ પણ ફેન્સનું અભિવાદન ઝીલીને તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.
‘બિગ બી’ પૈતૃક ગામની લાઇબ્રેરીમાં પુસ્તકો પહોંચાડશે
મુંબઇઃ મહાનાયક અમિતાભ બચ્ચન રવિવારે 84 વર્ષના થયા છે. તેમના જન્મદિવસે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના બાબુપટ્ટી ગામના રહેવાસીઓને એક ભેટ મળી છે. બિગ બીના પૈતૃક ગામના લોકોને હવે તેમના પિતાના નામે સ્થપાયેલા પુસ્તકાલયમાં પુસ્તકો ઉપલબ્ધ થશે. બિગ બીએ અગાઉ આ વાયદો કર્યો હતો, જે દિવાળી પહેલાં પૂરો થશે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનના પિતા અને હિન્દી સાહિત્યના મહાન સાહિત્યકાર હરિવંશરાય બચ્ચનનું જન્મસ્થળ બાબુ પટ્ટી ગામમાં આવેલું છે. ગામમાં હરિવંશ રાય બચ્ચનની સ્મૃતિમાં એક લાઇબ્રેરી તો છે, પરંતુ તેમાં પુસ્તકો ન હોવાથી વાચકો અને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકતા નહતા. પટ્ટી તાલુકાના રહેવાસી ચંદ્રપ્રકાશ તિવારીએ તાજેતરમાં લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી)માં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને આ ક્ષેત્ર સાથેના કૌટુંબિક સંબંધોને યાદ કર્યા હતા. આ દરમિયાન પુસ્તકાલયમાં પુસ્તકો ન હોવાની વાત ધ્યાને આવતાં જ અમિતાભ બચ્ચને પુસ્તકો પહોંચાડવા ખાતરી આપી હતી. બિગ બીની આ જાહેરાત બાદ સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું. કલેક્ટરે બાબુપટ્ટી ગામની રૂબરૂ મુલાકાત લઇને ગ્રામજનોને ખાતરી આપી હતી કે બહુ જલ્દી પુસ્તકાલયમાં તમામ પુસ્તકો ઉપલબ્ધ કરાવી દેવાશે. આમ હરિવંશ રાય બચ્ચનની સ્મૃતિમાં બનાવાયેલા પુસ્તકાલયનો મૂળ હેતુ આખરે હવે સાકાર થશે.


