એક ઓર નરેન: ન.મો.ના જીવન પર એક વધુ ફિલ્મ

Friday 19th March 2021 05:00 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર એક વધુ ફિલ્મ તૈયાર થવા જઇ રહી છે, અને આ ફિલ્મમાં અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગજેન્દ્ર ચૌહાણ બી. આર. ચોપરાની ટીવી સિરિયલ મહાભારતમાં યુધિષ્ઠિરની ભૂમિકા નિભાવી ચુક્યા છે. હવે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તૈયાર થનારી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવા જઇ રહ્યા છે. ફિલ્મનું નામ ‘એક ઓર નરેન’ રહેશે. જાણકારી મુજબ ફિલ્મમાં વડા પ્રધાન મોદી અને સ્વામી વિવેકાનંદને એક સાથે દર્શાવવામાં આવશે.
ફિલ્મ દિગ્દર્શક મિલન ભૌમિકનું કહેવું છે કે કે ફિલ્મના કથાનકમાં બે કિસ્સા હશે. એકમાં નરેન્દ્રનાથ દત્તના રૂપમાં સ્વામી વિવેકાનંદના કાર્ય અને જીવનને દર્શાવવામાં આવશે અને બીજા કિસ્સામાં નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને દર્શાવવામાં આવશે. ભૌમિકે કહ્યું કે ‘ફિલ્મમાં બે હસ્તીના જીવનને પેશ કરવામાં આવશે. વિવેકાનંદે પોતાનું જીવન વૈશ્વિક ભાઇચારાનો સંદેશો આપવા ખર્ચ કર્યું હતું. બીજું વ્યક્તિત્વ નરેન્દ્ર મોદી છે, કે જેમણે ભારતને નવી ઊંચાઇઓ પર મૂકી દીધો.’ મિલન ભૌમિકનો વિચાર તો સારો છે, પરંતુ ફિલ્મી પરદે સુંદર રીતે અભિવ્યક્ત થાય તો સારું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter