એક સમય આવશે જ્યારે ભારતમાં કાન્સ હશેઃ દીપિકા

Wednesday 25th May 2022 09:11 EDT
 
 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી પેનલમાં સમાવેશ કરવા બદલ આભાર વ્યક્ત કરતાં દીપિકા પાદુકોણે આશા વ્યક્ત કરી હતી કે, એક સમય એવો આવશે, જ્યારે ફ્રેન્ચ સિટીની જેમ ભારત પણ પ્રતિષ્ઠિત સિનેમા સેન્ટર બનશે. 17મીથી શરૂ થયેલા અને 28 મે સુધી ચાલનારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની કોમ્પિટિશન જ્યુરીમાં આઠ સભ્યોનો સમાવેશ થાય છે, અને દીપિકા તેમાંથી એક છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને ભારતના ઈન્ડિપેન્ડન્સને 75 વર્ષ થઈ રહ્યા હોવાથી કાન્સ ફિલ્મ માર્કેટમાં કન્ટ્રી ઓફ ઓનર તરીકે ભારતનો સમાવેશ થયો છે. ફેસ્ટિવલમાં છ ભારતીય ફિલ્મો દર્શાવાશે.
દીપિકાએ જણાવ્યું હતું કે, કાન્સના પાછલા 75 વર્ષના ઈતિહાસમાં જૂજ ઈન્ડિયન ફિલ્મ્સ કે એક્ટર્સ કે ટેલેન્ટને સ્થાન મળી શક્યું છે. જોકે એક દેશ તરીકે અમારી પાસે ટેલેન્ટ અને એબિલિટી અપાર છે. માત્ર તેને ઓળખવાની અને સ્વીકારવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે, એક દિવસ એવો આવશે, જ્યારે ભારત દેશે કાન્સ નહીં આવવું પડે, પરંતુ કાન્સ ભારતમાં હશે.
કાન્સમાં જ્યુરી તરીકે સમાવેશ થશે તેવો સ્વપ્ને ય ખ્યાલ ન હોવાનું સ્વીકારતા દીપિકાએ કહ્યું હતું કે, તે ૧૫ વર્ષ પહેલા ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કોઈને પણ તેની આર્ટ કે ટેલેન્ટ પર વિશ્વાસ નહીં હોય. ૧૫ વર્ષ પછી જ્યુરીમાં સમાવેશ સુધીની સફર ઈનક્રેડિબલ છે. દીપિકાની સાથેના ઈન્ડિયન ડેલિગેશનમાં એ.આર. રહેમાન અને શેખર કપૂર પણ જોડાયા છે. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં આ બંનેનો મહત્ત્વનો ફાળો હોવાનું દીપિકાએ કહ્યું હતું. રહેમાન અને શેખર જેવા વ્યક્તિઓના કારણે પોતાના જેવા લોકો આ સ્થળે પહોંચી શક્યા હોવાનું દીપિકાએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય ડેલિગેશનનું પ્રતિનિધિત્વ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ પ્રધાન અનુરાગ ઠાકુરે કર્યું હતું.

કાન્સમાં મામે ખાન
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ વોકનું સન્માન મેળવનાર દેશના પ્રથમ ફોક આર્ટિસ્ટ તરીકેનું સન્માન રાજસ્થાની ફોક સિંગર મામે ખાનને મળ્યું છે. મંગળવારે આ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. મામે ખાને લક બાય ચાન્સ, આઇ એમ, નો નવ ફિલ્ડ જેસિકા, મોનસૂન મેંગોસ, મિર્ઝિયા, સોનચિડિયા સહિત અનેક ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે કામ કર્યું છે. ટ્રેડિશનલ રાજસ્થાની ડ્રેસ અને ચહેરા પર સનગ્લાસ સાથે મામે ખાને રેડ કાર્પેટ વોક કર્યું હતું. કાન્સ ફેસ્ટિવલમાં ઇન્ડિયન પેવેલિયનના ઉદઘાટનમાં મામે ખાનને ઘૂમર ગાવા માટે ઘણી સેલિબ્રિટિઝે રિકવેસ્ટ કરી હતી. તેમનું ઘૂમર સોન્ગ શરૂ થતાં જ બધા ઝૂમી ઊઠ્યા હતા અને દીપિકા પાદુકોણ, તમન્ના ભાટિયા, ઉર્વશી રાઉતેલા અને પૂજા હેગડેએ ડાન્સ શરૂ કરી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter