અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એ દરેક વ્યક્તિ - ટ્રોલર્સની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે, જેઓ કોરોના મહામારી દરમિયાન સેલિબ્રિટીઓએ આપેલા ડોનેશન વિશે સતત ટીકા-ટિપ્પણ કરતા રહે છે કે આવી વ્યક્તિઓ દ્વારા થઇ રહેલા સત્કાર્યો સામે સવાલ ઉઠાવી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ભાગ્યે જ આક્રોશ વ્યક્ત કરતા એન્ગ્રી યંગમેને પોતાના સત્કાર્યો સામે સવાલ ઉઠાવી રહેલા ટ્રોલર્સને ઝાટકતા લખ્યું હતું કે, લોકો સેલિબ્રિટીઓના કોરોનાકાળ દરમિયાનના દાનની વિગતો જાણવામાં રસ લઇ રહ્યા છે તેમજ ટ્રોલ પણ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હા, હું ચેરિટી કરું છું, પરંતુ મારું માનવું છે કે મારે આ બાબતે ખુલાસાઓ કરવાની જરૂર હોવી ન જોઇએ. મારા દાનની વિગતો જણાવતા મને શરમ આવે છે. કોઇને આપેલા ડોનેશન વિશે વાત કરવાનું મને કદી ગમ્યું નથી, પરંતુ આજે મને મારા ડોનેશન વિશે જણાવવાની ફરજ પડી રહી છે. આ પછી તેમણે સત્કાર્યોની યાદી લખી છેઃ મારા અંગત ફંડમાંથી મેં લગભગ ૧૫૦૦ ખેડૂતોની બેન્ક લોન ચૂકવી છે, જેથી તેમના માટે આત્મહત્યાના સંજોગો ઊભા ન થાય. આ કિસાનોમાંથી ઘણા લોકો મુંબઇ આવ્યા હતા. તેમને બેન્ક ધિરાણ રદ થયાનું સર્ટિફિકેટ આપવાની સાથે તેમને મુંબઇ દર્શન કરાવી ભોજન કરાવીને સન્માનભેર પરત મોકલ્યા હતા. દેશના શહીદ પરિવારોની યાદ બનાવીને તેમના પરિવાર, પત્ની-બાળકો, ગર્ભવતી પત્નીઓને શોધીને આર્થિક સહાયતા કરી. શ્વેતા અને અભિષેકે પુલવામાના ભીષણ આતંકવાદી હુમલામાં થયેલા છિન્નભિન્ન પરિવારોને આર્થિક મદદ કરી. ગયા વરસે કોરોના કાળ દરમિયાન પીડીતોને દૈનિક ભથ્થું તેમજ મજૂરોને એક મહિના સુધી ભોજન આપ્યું. આ ઉપરાંત શહેરમાં રોજ ૫૦૦૦ લોકોને રાત-દિવસ ભોજન અપાયું હતું. પોલીસ, હોસ્પિટલ તેમજ ફ્રન્ટલાઇન વોરિયર્સને માસ્ક-પીપીઇ કિટ આપ્યા તેમજ અંગત ફંડમાંથી શીખ સમુદાયની મદદ કરી. ઇન્ટર-સ્ટેટ બસોની સગવડ કરી અને તેના ડ્રાઇવરો પણ શીખ હોય તે વાતની કાળજી લીધી હતી.
પ્રવાસીઓ પગપાળા ઘરે જતા હતા ત્યારે તેમને ચપ્પલ, જુતા આપવામાં આવ્યા હતા. આ લોકો માટે ૩૦ બસ અને ખાવાપીવાની સગવડ કરાઇ હતી. મુંબઇથી ઉત્તર પ્રદેશ સુધી એક આખી ટ્રેન બુક કરાવીને ૨૮૦૦ પ્રવાસીને મફતમાં ઘરે પહોંચાડવાની તૈયારી હતી. જોકે ટ્રેન કેન્સલ થતાં તેમને ઇન્ડિગોની ચાર્ટર્ડ ફ્લાઇટથી દરેક ફ્લાઇટમાં ૧૮૦ પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર સુધી પહોંચાડ્યા હતા. દિલ્હીમાં એક ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરાવ્યું, જેમાં એક એમઆરઆઇ મશીન, સોનોગ્રાફી મશીન અને સ્કેનિંગ માટેના જરૂરી સાધનો મારા નાના-નાની અને માતાની સ્મૃતિમાં મૂકાવ્યા. રકાબગંજ સાહિબ ગુરદ્વારામાં ૨૫૦-૪૫૦ બેડની ક્ષમતાનું કોવિડ સેન્ટર ચલાવાય છે. આ સેન્ટરને ઓક્સિજન મળી રહે તેના માટે પ્રયાસ ચાલુ છે અને વેન્ટિલેટર સુવિધા માટે પણ પ્રયાસ ચાલે છે. ૨૦ વેન્ટિલેટર મંગાવ્યા છે જેમાંથી ૧૦ આવી ગયા છે. જૂહુ આર્મી લોકેશનના એક સ્કુલ હોલમાં ૨૦-૨૫ બેડની કોવિડ હોસ્પિટલ સેટ કરવાના પ્રયાસ છે, જેનું ડોનેશન અપાઇ ગયું છે....