દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો. દીપિકા પાદુકોણે પોતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે.
બોલિવૂડની ‘મસ્તાની’ અભિનેત્રી દીપિકાએ પોતાના અવાજથી ઇતિહાસ રચ્યો છે. હવે, ચાહકો જ્યારે ઈચ્છે ત્યારે દીપિકા સાથે વાત કરી શકશે. આમ હવે દીપિકા એલેક્સા અને સિરીને પાછળ છોડી દે તો નવાઇ નહીં. આ સમાચાર ચોક્કસપણે દીપિકા પાદુકોણેના ચાહકોને ખુશ કરશે. મેટા AIએ તેના પ્લેટફોર્મમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણનો અવાજ મેટા AIના અવાજ રૂપે સાંભળવામાં આવશે. દીપિકાએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ચાહકોને માહિતી આપી છે કે તે હવે મેટા AIનો ભાગ છે. હવે, તેના અવાજથી ચેટિંગ પણ કરી શકાય છે. દીપિકાનો અવાજ અંગ્રેજીમાં સંભળાશે, અને તેનો ઉપયોગ ભારત, કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં થઈ શકે છે. દીપિકા પાદુકોણે પોતાની પોસ્ટમાં ચાહકોને આ સુવિધાનો ઉપયોગ કરવા પણ પ્રોત્સાહિત કર્યા છે. મેટા AI ફેસબુકની પેરેન્ટ કંપની છે અને મેટાનો ભાગ છે.


