ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા 28 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. જો તેની ફિલ્મની વાત કરવામાં આવે તો તે છેલ્લે 2023માં મણિરત્નમની તમિલ ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન-2’માં જોવા મળી હતી. પછી તેની ફિલ્મ ભલે ન આવી હોય પરંતુ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ હોય કે અભિષેક બચ્ચનના સંબંધોને કારણે તે હંમેશા ચર્ચામાં અને લાઈમલાઈટમાં રહી છે.
ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ ધનિક એક્ટ્રેસમાં જૂહી ચાવલા પહેલા નંબરે છે, તેના પછી ઐશ્વર્યા રાયનું નામ આવે છે. 2024 સુધીમાં જૂહી ચાવલા ઈન્ડસ્ટ્રીની સૌથી અમીર એક્ટ્રેસ હતી, તેની નેટવર્થ 4600 કરોડ હોવાનું માનવામાં આવે છે. તેથી આ યાદીમાં ઐશ્વર્યાનું સ્થાન બીજા નંબરે રહ્યું છે. તેના પછી આ યાદીમાં ત્રીજા નંબરે પ્રિયંકા ચોપરા, પછી આલિયા ભટ્ટ અને તેના પછી દીપિકા પાદૂકોણ આવે છે..
બોલિવૂડમાં છેલ્લા સાત વર્ષથી તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. છેલ્લે તેણે 2018માં ‘ફન્ને ખાન’માં કામ કર્યું હતું. આમ ભલે તેની ફિલ્મ ન આવે પરંતુ તે ભારતની સૌથી અમીર એક્ટ્રેસની યાદીમાં સ્થાન ચોક્કસ જાળવી રાખે છે. આ યાદીમાં તેનું નામ બીજા સ્થાને આવે છે. જાહેર ઇવેન્ટમાં જેના લૂકની સતત ચર્ચા રહે છે, તેવી ઐશ્વર્યા રાયની સરેરાશ નેટ વર્થ લગભગ 900 કરોડ રૂપિયા છે. આમ તે ભારતની બીજા નંબરની સૌથી અમીર એક્ટ્રેસ છે. ઐશ્વર્યા ફિલ્મમાં કામ કરવા માટે તગડી ફી વસૂલે છે. એક રિપોર્ટ અનુસાર, તે સામાન્ય રીતે એક ફિલ્મ માટે 10થી 12 કરોડ રૂપિયા જેટલી ફી વસુલતી હોવાના અહેવાલો છે. તેણે બોલિવૂડ અને સાઉથના ઘણા મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કામ કર્યુ છે અને એનાથી જ તેની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. લગભગ ત્રણ દાયકાની તેની વૈવિધ્યસભર ભૂમિકાઓ સાથેની કેરિઅરનું પરિણામ તેની આ સમૃદ્ધિ છે.
ઐશ્વર્યાએ પોતાની આવક એક સ્ત્રોત પર સીમિત રાખી નથી. તે એક્ટિંગ ઉપરાંત બ્રાન્ડ પ્રમોશનમાંથી પણ ખૂબ મોટી આવક ઉભી કરે છે. તે કોઈ એક પ્રોડક્ટના એન્ડોર્સમેન્ટ માટે દિવસ દીઠ 6થી 7 કરોડ જેટલી ફી વસુલતી હોવાના અહેવાલો છે. તે ઘણી જવેલરી અને કોસ્મેટીક બ્રાન્ડ સાથે જોડાયેલી છે. તે ઉપરાંત તેણે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા બચ્ચન પરિવારમાં લગ્ન કર્યા હોવાથી પણ તેની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત હોવાનું મનાય છે. ઐશ્વર્યાએ 1997માં ‘ઈરુવર’ ફિલ્મથી કેરિઅરની શરૂઆત કરી હતી.