ઓળી-ઝોળી પીપર પાન... રણબીર-આલિયાએ દીકરીનું નામ રાહા પાડ્યું

Wednesday 30th November 2022 05:20 EST
 
 

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરીનું નામકરણ થઈ ગયું છે. દાદી નીતુ કપૂરે પૌત્રીનું નામ રાહા રાખ્યું છે. આલિયા ભટ્ટે ટ્વિટરમાં એક ટી-શર્ટ શેર કરીને દીકરીના નામકરણની જાહેરાત કરી હતી. સાથે સાથે જ આ નામનો સંસ્કૃત સહિતની ભાષાઓમાં અર્થ પણ સમજાવ્યો હતો. આલિયાએ ટ્વિટરમાં લખ્યું હતું: ‘આ નામ રાહાના ઘણાં અર્થો થાય છે. નામ રાહાની સમજદાર અને અદ્ભૂત દાદી નીતુ કપૂરે રાખ્યું છે. નામના ઘણાં સુંદર અર્થો થાય છે. રાહાનો એક અર્થ થાય છે - દિવ્યપથ. સ્વાહિલી ભાષામાં એનો મતલબ ખુશી એવો થાય છે, તો સંસ્કૃતમાં રાહાનો અર્થ વંશ વધારનાર એ પ્રકારનો થાય છે. બાંગ્લામાં એનો અર્થ છે રાહત મળવી. તો વળી, અરબીમાં એનો મતલબ શાંતિ થાય છે. રાહા શબ્દના બીજા પણ અર્થ થાય છે - જેમ કે, સ્વતંત્રતા, ખુશી અને આનંદ...’ રાહા નામનું એક ગોત્ર પણ છે. આલિયાએ છ નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો.

આલિયાએ આ પોસ્ટમાં દીવાલ પર ચોંટાડેલા એક ટી-શર્ટનો ફોટો શેર કર્યો હતો. ફૂટબોલ ક્લબ બાર્સેલોનાના ડિઝાઈન-કલર ધરાવતા ટી-શર્ટમાં રાહાનું નામ છપાયેલું છે અને નીચે લોગો સાથે યુનિસેફ લખેલું છે. આલિયાએ ટ્વિટ કરેલા ફોટોમાં આલિયા-રણબીર પણ દેખાઈ રહ્યા છે. આ ફોટામાં રણબીર-આલિયા ઝાંખા દેખાઈ રહ્યા છે તેઓ તેમની દીકરીને પકડીને ઉભા છે. દીકરી રાહાનું માથું જ દેખાતું હોવા છતાં ચાહકો તેને પહેલી ઝલક માની રહ્યા છે.
પોસ્ટમાં આલિયાએ ઉમેર્યું હતું: અમે જ્યારે પહેલી જ વાર તેને હાથમાં લીધી ત્યારે આવી જ ફીલિંગ્સ થઈ હતી. રાહા તારો આભાર, આપણાં પરિવારને ફરીથી નવી ખુશીઓ આપવા માટે. એવું લાગે છે કે જાણે અમારી લાઈફ હવે શરૂ થઈ છે.’
આલિયાની આ ટ્વિટ વાયરલ થઈ હતી અને સેલિબ્રિટીઝથી માંડીને ચાહકોએ એમાં અસંખ્ય કમેન્ટ કરીને શુભકામના પાઠવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter