વર્ષ 2026 ના ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે નીરજ ઘેયવાન દિગ્દર્શિત ફિલ્મ ‘હોમબાઉન્ડ’ની પસંદગી કરાઇ છે. પસંદગી સમિતિના ચેરપર્સન એન. ચન્દ્રાએ કહ્યું હતું કે 24 એન્ટ્રીમાંથી આ ફિલ્મની પસંદગી કરાઇ છે. ફ્રાન્સમાં યોજાતા કાન ફિલ્મોત્સવમાં તથા ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં દર્શાવાયેલી આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને અદર પૂનાવાલાએ કર્યું છે. આ ફિલ્મમાં ઇશાન ખટ્ટર, જ્હાન્વી કપૂર અને વિશાલ જેઠવાએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ઓસ્કર માટે આ ફિલ્મ સાથે સ્પર્ધામાં અન્ય ફિલ્મોમાં ‘ધ બેંગાલ ફાઇલ્સ, ‘પુષ્પા ટુ - ધ ફાયર, ‘કેસરી, ‘વીર ચન્દ્રહાસ અને ‘સુપરબોય્ઝ ઓફ માલેગાંવનો સમાવેશ થતો હતો. નીરજ ઘેયવાને તેમની ફિલ્મની ઓસ્કર માટે પસંદ થવા બાબતે ઇન્સ્ટા પર પ્રતિભાવ આપતાં ‘ઓહ માય ગોડ. આ હકીકત છે’ તેમ જણાવ્યું હતું. 98મો ઓસ્કર એવોર્ડ સમારોહ 15 માર્ચ, 2026ના રોજ યોજાવાનો છે.


