ઓસ્કર એવોર્ડની રેસમાં ‘છેલ્લો શો’ઃ ફિલ્મના કેન્દ્રમાં સૌરાષ્ટ્રનો માહોલ

Wednesday 28th September 2022 09:06 EDT
 
 

ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એફએફઆઇ)એ અમરેલી જિલ્લાના અડતાલા ગામના ફિલ્મમેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ની 2023ના ઓસ્કાર એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરી છે. RRR, કાશ્મીર ફાઈલ્સ, બ્રહ્માસ્ત્ર અને રોકેટરી જેવી અતિચર્ચિત ફિલ્મોને પાછળ છોડીને એક ગુજરાતી ફિલ્મનું નામ વિશ્વસિનેમાના મંચ પર છવાયું છે. ‘છેલ્લો શો’ આવતા વર્ષે 12 માર્ચે લોસ એન્જલસમાં યોજાનારા ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશલ ફિલ્મ કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઉતરશે. અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઇ ચૂકેલી અને નિષ્ણાતોની ભરપૂર પ્રશંસા મેળવનારી આ ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતીય થિયેટરમાં રિલીઝ થશે.
બીજી વખત ગુજરાતી ફિલ્મ પર પસંદગી
‘છેલ્લો શો’ ઓસ્કર માટે પસંદગી પામનારી બીજી ગુજરાતી ફિલ્મ છે. આ પહેલાં 2013માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’ ભારતની ઓસ્કર એન્ટ્રી બની હતી. પાન નલિન ‘સમસારા’, ‘વેલી ઓફ ફ્લાવર્સ’, ‘એંગ્રી ઈન્ડિયન ગોડેસીસ’ અને ‘આયુર્વેદા: આર્ટ ઓફ બીઈંગ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે.
ઓસ્કર કમિટીમાં પહેલા ગુજરાતી ફિલ્મમેકર
તાજેતરમાં જ તમિલ એક્ટર સૂર્યા, એક્ટ્રેસ કાજોલ, સુમિત ઘોષ અને રીતુ થોમસને ઓસ્કરની કમિટીમાં સ્થાન મળ્યું હતું. પાન નલિન આ કમિટીમાં સ્થાન મેળવી ચૂકેલા પહેલા ગુજરાતી ફિલ્મમેકર છે.
ગુજરીમાંથી કેમેરા ખરીદી ફિલ્મ બનાવવી શરૂ કરી
અમરેલીના અડતાલા ગામના વતની અને અસલમાં નલિનકુમાર રમણિકલાલ પંડ્યા નામ ધરાવતા પાન નલિનના પિતાને ખીજડિયા રેલવે સ્ટેશન પર ચાનો સ્ટોલ હતો. એ સમયે તેઓ રેલવે સ્ટેશન પર પોતાના પિતાને ચાની દુકાનમાં મદદ કરતા હતા. તેમણે અમદાવાદ એનઆઈડી તેમજ વડોદરા ફાઈન આર્ટ્સમાં અભ્યાસ કર્યો છે. અમદાવાદમાં અભ્યાસ દરમિયાન જ તેમને ફિલ્મમેકિંગનો ચસકો લાગેલો. વડોદરામાં ફાઈન આર્ટ્સનો કોર્સ કર્યા બાદ તેઓ ફિલ્મની વિધિવત્ તાલીમ વગર જ એ ક્ષેત્રે આગળ વધ્યા. પુસ્તકો વાંચીને ફિલ્મ નિર્માણ શીખ્યા. અમદાવાદની રવિવારી બજારમાંથી કેમેરા ખરીદીને તેમણે શોર્ટ ફિલ્મ્સ બનાવવાની શરૂ કરી હતી.
અત્યારે આ દિવસોમાં તેઓ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન (એનઆઈડી)માં લેક્ચર્સ લઈ રહ્યા છે. જોકે એક સમયે તેઓ એનઆઈડીના વિદ્યાર્થી હતા. શરૂઆતમાં તો તેમણે લગ્નની વીડિયોગ્રાફી પણ તેમણે કરી. અમેરિકા અને બ્રિટનમાં રહ્યા પછી ભારતમાં આવીને ડોક્યુમેન્ટરી બનાવી. પછી તો સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ, ફેઈથ કનેક્શન જેવી કેટલીક ફિલ્મોને વિશ્વભરમાં આવકાર મળ્યો.
ભારતના પ્રમાણમાં પછાત કહેવાય એવા અંતરિયાળ ગામડાંના બાળકની આ વાત છે. દૂરના ગામડામાં વસતો બાળક ફિલ્મ બનાવવાનું સપનું જુએ અને સાકાર કરે તેવી વાત લઈને આવેલી આ ફિલ્મ આવનારા યુગનું નાટક છે.
ફિલ્મના કેન્દ્રમાં સૌરાષ્ટ્રનો માહોલ
ફિલ્મની વિશેષતા તો અનેક હશે પરંતુ ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે ઓસ્કર જેવડા મોટા પુરસ્કાર માટે જે ફિલ્મને ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એફએફઆઇ)એ મોકલવાનો નિર્ણય કર્યો છે તેમાં મોટા ગજાના કહેવાય તેવા એક પણ સ્ટાર નથી. જૂનાગઢની રુપાયતન સંસ્થાનો કિશન પરમાર નામનો એક છોકરો ઉપરાંત અમરેલી વિસ્તારનાં બાળકોએ આ ફિલ્મમાં અભિનય કર્યો છે. પાન નલિને આ ફિલ્મમાં સૌરાષ્ટ્રના અમરેલી વિસ્તારનું વાતાવરણ જીવંત કર્યું છે. તેમણે પોતે અમરેલીના અડતાલા ગામે વીતાવેલા પોતાના બાળપણને ફિલ્મમાં ઉપસાવ્યું છે. સમય નામનો નવ વર્ષનો એક બાળક થિયેટરમાં પહેલી ફિલ્મ જોઈને ફિલ્મનિર્માણ તરફ આકર્ષાય છે. આખરે પોતે પોતાની ફિલ્મ બનાવે છે.
અરવલ્લીનું પણ અનુસંધાન
ફિલ્મમાં અમરેલી, જૂનાગઢ કે રાજકોટના કલાકારો છે તો અરવલ્લી જિલ્લાનું પણ અનુસંધાન આ ફિલ્મ સાથે છે. અરવલ્લીના ધનસુરાના કેયુ શાહ આ ફિલ્મના નિર્માણ સાથે પાયાથી જોડાયેલા છે. ફિલ્મના સંવાદના અનુવાદ અને સ્ક્રિપ્ટ સુપરવાઈઝર તરીકેની જવાબદારી તેમણે સંભાળી હતી.
ફિલ્મ નકલ હોવાનો વિવાદ
ઓસ્કર એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થયેલી ‘છેલ્લો શો’ અન્ય કોઈ ફિલ્મની નકલ હોવાના આક્ષેપો ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ફગાવ્યા છે. એક વર્ગે આ ફિલ્મ 1988માં રજૂ થયેલી અને ઓસ્કર મેળવનારી ઈટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરાડિસો’ની નકલ હોવાના આક્ષેપો કર્યા હતા. આ લોકોએ માત્ર ફિલ્મના પોસ્ટરના આધારે આ દાવો કર્યો હતો. બંને ફિલ્મના પોસ્ટરમાં એક બાળક ફિલ્મની રીલને ભારે વિસ્ફારિત નજરે અને ખુશખુશાલ થઈને જોઈ રહ્યો હોય એવું દ્રશ્ય છે. જોકે, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ટી. પી. અગ્રવાલે કહ્યું હતું કે આ ફિલ્મ અન્ય કોઈ ફિલ્મની નકલ હોવાના આક્ષેપો સાવ પાયાવિહોણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter