ઓસ્કરમાં કાશ્મીર ફાઈલ્સ? અનુરાગ - અગ્નિહોત્રી બાખડ્યા

Friday 26th August 2022 08:46 EDT
 
 

હોલીવૂડ મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મ ‘RRR’ને શોર્ટલિસ્ટ થઇ શકે છે. બીજી તરફ ભારતમાં બહુ મોટો વર્ગ કાશ્મીર ફાઈલ્સને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવા માંગ કરી રહ્યો છે. આ મુદ્દે કાશ્મીર ફાઈલ્સના સર્જક વિવેક અગ્નિહોત્રી તથા બોલીવૂડના આખાબોલા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ બાખડી પડયા છે.

ઓસ્કરમાં કઈ કઈ ફિલ્મો શોર્ટલિસ્ટ થઈ શકે છે તેની અટકળબાજી ચાલે છે. જેમાં તાજેતરમાં એક ફિલ્મ મેગેઝિને ‘RRR’ના હીરો જુનિયર એનટીઆરને બેસ્ટ એક્ટરની કેટેગરી માટે સંભવિત ઉમેદવાર ગણાવ્યો હતો. આ પછી ‘RRR’ ઓસ્કરમાં શક્યતા કેટલી એ મુદ્દે ડિબેટ ચાલુ થઈ છે. આ ચર્ચામાં ઝંપલાવતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ભારતે પોતાની એન્ટ્રી તરીકે આરઆરઆરને મોકલવી જોઈએ કારણ કે તે નોમિનેટ થવાના ૯૯ ટકા ચાન્સ છે. કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો મોકલવી જોઈએ નહીં. આ નિવેદનનો પ્રત્યાઘાત આપતાં કાશ્મીર ફાઈલ્સના સર્જક વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે કાશ્મીરમાં નરસંહારને નકારતી બોલીવૂડની લોબી હવે કાશ્મીર ફાઈલ્સની પાછળ પડી ગઈ છે. દોબારાના સર્જકનાં નેતૃત્વ હેઠળ આ લોબીએ પોતાનું અભિયાન ચાલુ કરી દીધું છે.
આ ચર્ચામાં કેનેડિયન ફિલ્મ સર્જક ડિલેન મોહન ગ્રેએ પણ ઝંપલાવ્યું હતું. તેણે કહ્યું હતું કે કાશ્મીર ફાઈલ્સ એ ધિક્કાર ફેલવતા કચરા જેવી ફિલ્મ છે. જો આવી ફિલ્મને ઓસ્કર માટે મોકલાશે તો તે ભારતનું અપમાન હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter