વિશ્વપ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડની કોઇપણ કેટેગરીમાં સ્થાન મેળવવું એ ફિલ્મજગતની કોઇપણ હસ્તી માટે અત્યંત ગર્વની બાબત છે. આવતા વર્ષે યોજાનાર 99મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર 2027)માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મરાઠી ફિલ્મ ‘ગોંધાલ’ની પસંદગી કરાઇ છે. ફિલ્મના દિગ્દર્શક સંતોષ દાવખર કહે છે, ‘મને પહેલા દિવસથી જ વિશ્વાસ હતો કે ફિલ્મને 2027ના ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી મળશે.’ દાવખરે આશા વ્યક્ત કરી હતી કે દેશની જીવંત સંસ્કૃતિ અને વારસાની આ ઉજવણી આંતરરાષ્ટ્રીય દર્શકો સાથે પડઘો પાડશે. દાવખરે પોતે ‘ગોંધાલ’ માટે સ્ક્રિપ્ટ લખી છે. ઓસ્કરમાં સબમિશન માટે કુલ 33 ફિલ્મો પર વિચાર કરાયો હતો, અને અંતે, ‘ગોંધાલ’ની પસંદગી કરાઇ હતી. ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી માટેની સંભવિત ફિલ્મોની યાદીમાં ‘ધુરંધર’, ‘બોર્ડર 2’, ‘પેદ્દી’, ‘આઈ વિલ કમ બેક’, ‘એક્કિસ’, ‘હક’, ‘ગવર્નર’, ‘હનુમાન અંશ’, ‘તિઘે’, ‘બાલન ધ બોય’, ‘ડોરોથી’, ‘શેપ ઓફ મોમો’ અને ‘અંગ’નો સમાવેશ થતો હતો.
ગ્રામીણ મહારાષ્ટ્રમાં પરંપરાગત ગોંધલ નૃત્યની મધ્યરાત્રિની ઉજવણીની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી આ ફિલ્મ એક નવપરિણીત યુગલની આસપાસ ફરે છે, જેમાં સંગીત, નૃત્ય અને પૌરાણિક કથાઓનું અદ્ભુત મિશ્રણ દર્શાવાયું છે. ફિલ્મ સુમનની વાર્તા કહે છે, જે એક સ્ત્રી છે અને પોતાના મરજી વિરુદ્ધ લગ્નથી દ્વારા ગૂંગળામણ અનુભવે છે. તે તેના પ્રેમી સાથે હત્યા કરવાનું અને ભાગી જવાનું કાવતરું ઘડે છે. ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વારસાનું પ્રતિનિધિત્વ કરતી આ ફિલ્મમાં કિશોર કદમ અને સુરેશ વિશ્વકર્મા જેવા પ્રખ્યાત કલાકારો, ઇશિતા દેશમુખ અને નિષાદ ભોઇર જેવા નવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત સુપ્રસિદ્ધ સંગીતકાર ઇલૈયારાજાએ આપ્યું છે. દાવખરે જણાવ્યું હતું કે તેઓ 14 માર્ચ, 2027 ના રોજ યોજાનાર ઓસ્કાર પહેલાં યુએસમાં એક વિશાળ પ્રમોશનલ ઝુંબેશ શરૂ કરવાનું વિચારી રહ્યા છે.


