અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતની તાજેતરમાં ગળામાં મંગળસૂત્ર અને હાથમાં લીલી બંગડીઓ સાથી તસવીર વાયરલ થતાં ચર્ચાનો વંટોળ ઉઠ્યો છે. કંગનાનો આવો લુક ધરાવતો વીડિયો વાઇરલ થતાં બહુબોલકી કંગનાએ ગુપચૂપ લગ્ન કરી લીધાની અફવા ઉડી હતી. જોકે હવે કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી છે કે તેનો આ લુક તેના એક આગામી પ્રોજેક્ટના શૂટિંગ વેળાનો છે, જ્યાં તે કેરેક્ટર મેકઅપમાં હતી. આ સમયે કોઈએ આકસ્મિક રીતે તેનો આ વીડિયો શૂટ કરી લીધો હતો, અને રિલીઝ પણ કરી દીધો હતો. કંગના કહે છે કે આ ફોટો વાયરલ થયા પછી તેને ઘણા ફોન આવી રહ્યા છે. જોકે સાથે સાથે જ તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પરિણીત મહિલાનો લુક ધારણ કરવામાં આટલી મોટી વાત શું છે, કારણ કે અભિનેતાઓ ઘણીવાર વિવિધ ભૂમિકાઓ ભજવતા હોય છે ને?! આ સાથે જ કંગનાએ વચન આપ્યું હતું કે તે ક્યારેય ગુપ્ત રીતે લગ્ન નહીં કરે. બીજી પોસ્ટમાં, તેણે કઠિન પરિસ્થિતિઓમાં પણ કામ કરતાં લોકોના પ્રયાસોને બિરદાવતા કહ્યું હતું કે જ્યારે લોકો માત્ર ગરમીની ફરિયાદ કરતા રહી જાય છે. તેણે કહ્યું કે જ્યાં સુધી પડકારો છે, ત્યાં સુધી જીવન રોમાંચક છે.


