જાણીતી ફિલ્મ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીનાં ભાજપ સાંસદ કંગના રનૌતને પંજાબ-હરિયાણા હાઇકોર્ટે દ્વારા મોટો ઝટકો મળ્યો છે. કંગનાએ ખેડૂત આંદોલનમાં સક્રિય એક મહિલા સામે પૈસા લઈને ધરણાં અને વિરોધ પ્રદર્શનમાં જોડાયાનો આરોપ મૂક્યો હતો. આ બાબતે પીડિત મહિલા મહિંદર કૌરે કંગના વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. કંગનાએ આ ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટને અપીલ કરી હતી. જોકે અદાલતે આ ફરિયાદ રદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. અરજી રદ ન થતાં હવે કંગના વિરુદ્ધ 2021થી અટકી ગયેલા કેસની ફરીથી સુનાવણી શરૂ થશે. હકીકતમાં ખેડૂત આંદોલન દરમિયાન કંગનાએ એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આરોપ કર્યો હતો કે આ મહિલાઓને પૈસા આપીને આંદોલનમાં લાવવામાં આવી હતી.