જાણીતી અભિનેત્રી અને લોકસભા સાંસદ કંગના રનૌતે મોટી બહેનના દીકરા પૃથ્વી ચંદેલ સાથે ગુજરાતની શાન સમાન સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી. ગુરુવારે વહેલી સવારે ગીરમાં એશિયાટિક સિંહોના દર્શન કરીને કંગના ગીરની ભવ્યતાથી અત્યંત પ્રભાવિત થઈ હતી.
કંગના રનૌતે તેના ભાણિયા પૃથ્વી સાથે પરોઢિયે સફારી પાર્કમાં પ્રવેશ કર્યો હતો. એક્ટ્રેસે આશરે બે કલાકનો સમય જંગલ સફારીમાં વિતાવ્યો હતો. કંગનાએ ખુલ્લી જિપ્સીમાં સફારી પાર્કની મુલાકાત લઈને જંગલનો રોમાંચક અનુભવ કર્યો હતો. સફારી દરમિયાન એક્ટ્રેસ કંગના અને તેના ભાણિયાએ બે સિંહ અને એક સિંહણને નિહાળ્યા હતા. ગીરના જંગલમાં મુક્તપણે વિહરતા સિંહોને જોઇને કંગના રનૌત ખૂબ જ ખુશ થઈ હતી અને ગુજરાતનું ગૌરવ એવા આ શક્તિશાળી પ્રાણીના ભરપુર વખાણ કર્યા હતા.
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું હતું કે, ‘ગુજરાત ખૂબ જ અદ્ભૂત છે. સુંદરતા, સંસ્કૃતિ અને પ્રમાણિકતા જોઈને તેના વર્ણન માટે મારી પાસે શબ્દો નથી. આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મારા નાના મિત્ર પૃથ્વી સાથે, જે હવે મારો પ્રિય ટ્રાવેલ બડી છે. વિવિધ પ્રજાતિઓના દર્શન કરી ખૂબ જ આનંદ થયો અને આમ પણ ગુજરાતના લાયન્સ તો વર્લ્ડ ફેમસ છે.’
કંગના રનૌતે ગીરના કુદરતી સૌંદર્ય અને અહીંની ઈકો સિસ્ટમની ભરપૂર પ્રશંસા કરી હતી. ગીર માત્ર સિંહોનું જ નહીં પણ ખળખળ વહેતા ઝરણાં, રમણીય ડુંગરો અને પક્ષીઓના મધુર કલરવથી ભરપૂર એક અદ્ભુત કુદરતી ધામ છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંગના રનૌતે ગીરની ઇકો સિસ્ટમ, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રવાસીઓના આગમનથી મળતી રોજગારી વિશે પણ જાણકારી મેળવી હતી. કંગનાએ ગીરના આ સમગ્ર અનુભવને ખૂબ જ સારો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અહીં પ્રકૃતિ અને સૌંદર્ય ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવા છે.
ગુજરાત પ્રવાસ દરમિયાન કંગનાએ સાસણ ગીરની મુલાકાત ઉપરાંત દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે પૂજનવિધિ કરી હતી તો પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન પણ કર્યા હતા. કંગનાએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી, જળાભિષેક કર્યો હતો અને ધ્વજાપૂજા સાથે મધ્યાહન આરતીનો લ્હાવો લીધો હતો.


