કંગનાનું કહીં પે નિગાહે, કહીં પે નિશાના

Friday 15th October 2021 07:03 EDT
 
 

રિતિક રોશને આર્યન ખાનના સપોર્ટમાં એક ઓપન લેટર શેર કર્યો તે સાથે જ ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. કંગના રનૌતે આ વિવાદ અંગે બાંધ્યા ભારે કોમેન્ટ કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ગોવા જતી ક્રૂઝ શિપ પર રેવ પાર્ટીનો પર્દાફાશ કરાયા બાદ શાહરુખ ખાનના દીકરા આર્યનની ધરપકડ કરાઇ હતી. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝના એક મેસેજમાં લખ્યું હતું કે, ‘હવે તમામ માફિયા પપ્પુ આર્યન ખાનના બચાવમાં આવી ગયા છે. આપણે ભૂલો કરીએ છીએ, પરંતુ આપણે એને યોગ્ય ગણાવવી ના જોઈએ. મને વિશ્વાસ છે કે, આનાથી તેને તેની એક્શન્સનાં પરિણામોની અનુભૂતિ થશે. આશા છે કે, આ પ્રકરણથી તે ઇવોલ્વ થશે અને તે વધુ સારી વ્યક્તિ બનશે. જ્યારે કોઈ વ્યક્તિ સંવેદનશીલ સ્થિતિમાં હોય ત્યારે એના વિશે ગોસિપ ના કરવી યોગ્ય છે, પરંતુ તેણે કશું જ ખોટું કર્યું નથી એવું તેમને ફીલ કરાવવું એ ગુનાખોરી છે.’
રિતિકે તેના લેટરમાં આર્યનની સ્થિતિ વિશે લખ્યું છેઃ માય ડિયર આર્યન, જીવન એક વિચિત્ર જર્ની છે. એમાં અનિશ્ચિતતા હોવાથી જે એ મહાન છે. એ આપણને આશ્ચર્યમાં મૂકે છે એટલા માટે જ એ મહાન છે, પરંતુ ભગવાન દયાળુ છે. તેઓ સૌથી ટફ વ્યક્તિઓને જ ટફ બોલ્સ રમવા માટે આપે છે. આવી અંધાધૂંધીમાં પોતાની જાતને સંભાળવા માટે તું પ્રેશર અનુભવતો હોઈશ. અત્યારે તું શું ફીલ કરતો હશે એ હું જાણું છું. ગુસ્સો, મૂંઝવણ, વિવશતા. આ ગુણો તને અંદરથી બાળીને તને હીરો બનાવવા માટે જરૂરી છે.’
કંગના અને રિતિક વચ્ચે વર્ષોથી તણાવજનક સ્થિતિ છે. તેની વચ્ચે કાનૂની લડાઈ પણ ચાલી રહી છે. કંગનાનો દાવો છે કે, તેઓ બંને ડેટિંગ કરતા હતા તે સમયે રિતિક હજી તેની એક્સ વાઈફ સુઝાન ખાનની સાથે લગ્નીવને બંધાયેલો હતો. બીજી તરફ, રિતિક હંમેશાં આ વાત નકારતો રહ્યો છે. બન્નેએ એકબીજાની વિરુદ્ધ બદનક્ષીના દાવા પણ માંડ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter