દેશભક્તિની ભાવના જગાવનારી ફિલ્મ ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ૧૩ ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. રિયલ હીરોઝની સ્ટોરીથી પ્રેરિત આ ફિલ્મ ફક્ત આર્મ્ડ ફોર્સીસની બહાદુરીની જ નહીં, પરંતુ યુદ્ધ જીતવામાં મદદ કરનારી સામાન્ય મહિલાઓની અભૂતપૂર્વ બહાદુરીની પણ યાદ તાજી કરાવી દેશે. અભિષેક દુધૈયા દ્વારા ડિરેક્ટેડ ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાનની એક સત્ય ઘટના પર આધારિત છે. જેમાં અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિંહા અને શરદ કેલકર પણ મહત્વના રોલ્સમાં છે. આ ફિલ્મમાં અજય સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકનું પાવરફુલ પાત્ર ભજવે છે. વિજય કર્ણિક ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભૂજ એરપોર્ટના ઇનચાર્જ હતા. તેમણે સ્થાનિક ગામ માધાપરની ૩૦૦ મહિલાઓની મદદથી ઇન્ડિયન એરફોર્સના એરબેઝને ફરીથી તૈયાર કરીને પાક. સેનાને પાઠ ભણાવ્યો હતો.
ફિલ્મમાં નોરા ફતેહી ભારતીય જાસૂસના રોલમાં જોવા મળશે. રિસન્ટલી તેણે પોતાના કેરેક્ટરની તૈયારી વિશે જણાવ્યું હતું. નોરાએ તેના કેરેક્ટર માટે ટ્રેનિંગ રિંગમાં રાઇફલ-ગન શૂટિંગની પ્રેક્ટિસ કરી હતી. ગન પકડતી વખતે કેવી પોઝિશન સાથે કેવું પોશ્ચર હોવું જોઈએ અને કેવી રીતે નિશાન લગાવવું જોઈએ એ સમજવા માટે તેણે ટ્રેનિંગ મેળવી હતી. એટલું જ નહીં, કોમ્બેટના બેઝિક્સ જાણવા-સમજવા માટે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ પણ મેળવી હતી. નોરા માને છે આ બધી રીઅલ ટ્રેનિંગે તેના સ્ક્રીન પરના પરફોર્મન્સને ચોક્કસપણે નિખારશે.