વિવેક ઓબેરોયને કરિયરની શરૂઆતમાં સંખ્યાબંધ ફિલ્મો મળી હતી. વિવેકની કરિયર ટોચ પર હતી ત્યારે ઐશ્વર્યા રાય સાથે સંબંધોના કારણે સલમાન સાથે વિવાદ થયો હતો. વિવેકે સલમાન ખાન સામે જાહેરમાં આક્ષેપો કર્યા બાદ તેનો કપરો સમય શરૂ થયો હતો. બોલિવૂડમાંથી અનેક લોકોએ વિવેક સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને તેઓ અઘોષિત બોયકોટનો સામનો કરતો હતો. નિરાશાના આ દોરમાં સાચા મિત્રની જેમ અક્ષય કુમાર પડખે ઊભા રહ્યા હોવાનું વિવેક ઓબેરોયે જણાવ્યુ હતું.
તે સમયે વિવેક ઓબેરોય સાથે કામ કરવા કોઈ ફિલ્મમેકર તૈયાર નહોતા. અચાનક કામ મળતુ બંધ થઈ ગયું હતું અને વિવેક ઓબેરોયને ઈન્ડસ્ટ્રીએ એકલો પાડી દીધો હોય તેવો માહોલ હતો. વિવેક સાથે વાત કરવા કોઈ તૈયાર ન હતું થતું ત્યારે અક્ષય કુમારે તેને સાથ આપ્યો હતો. નિખાલસ કબૂલાતમાં વિવેક ઓબેરોયે જણાવ્યુ હતું કે અક્ષય કુમાર ધીરજથી તેની બધી વાત સાંભળતા હતા અને ચિંતા દૂર કરવા માટે સમાધાન સૂચવતા હતા. અક્ષયે કપરા સમયમાં મિત્રતા નિભાવતા સામેથી વિવેકને પૂછ્યુ હતું કે, લાઈફમાં શું પ્રોબલેમ ચાલે છે તે કહે. વિવેકે કહ્યું હતું કે, અક્ષયના આ પગલાએ દુઃખ અને પીડાને બહાર કાઢવાનો માર્ગ આપ્યો હતો. પોઝિટિવ રીતે તેઓ મદદ કરતા હતા અને આગળ વધવા સમજાવતા હતા
અક્ષયે વિવેકને કહ્યું હતું કે, ઘણાં બધા શો ચાલી રહ્યા છે અને તારી પાસે સંખ્યાબંધ બ્લોકબસ્ટર ગીતો છે. મારા ઘણાં શૂટિંગ હોવાથી હું શો કરી શકું તેમ નથી. તેથી મારી પાસે જે ઈન્ક્વાયરી આવશે તેને તારી પાસે ડાઈવર્ટ કરીશ. આ કામ તું કરી લેજે. અક્ષયના આ સપોર્ટ અને સાદગી બદલ વિવેકે આભાર વ્યક્ત કર્યો હતો. વિવેકે જણાવ્યુ હતું કે, અક્ષય કુમારે લોબી સામે જંગે ચડવાનો વાયદો કરવાના બદલે પોઝિટિવ એનર્જી સાથે લાઈફલાઈન આપી હતી. જેના કારણે, મારા જીવનમાં તકો પાછી ફરી હતી.