કરણ જોહરની પાર્ટી ફરી સુપર સ્પ્રેડર?

Thursday 09th June 2022 12:30 EDT
 
 

ફિલ્મસર્જક કરણ જોહરની ગયા મહિને યોજાયેલી બર્થ ડે પાર્ટીમાં હાજરી આપનારા કેટરિના કૈફ અને શાહરુખ ખાન સહિતના સ્ટાર્સ કોરોના ઝપટે ચઢ્યા છે. એક દાવા અનુસાર કરણની પાર્ટીમાં હાજરી આપનારા 50થી વધુ સ્ટાર્સ સંક્રમિત થતાં આ પાર્ટી હોટસ્પોટ પુરવાર થઈ છે. જોકે, કરણની નજીકના સૂત્રોએ આ વાતને નકારી કાઢી છે. કરણ જોહરે 25ના રોજ પોતાના 50મા જન્મદિવસ નિમિત્તે શાનદાર પાર્ટી યોજી હતી. યશરાજ સ્ટુડિયોમાં યોજાયેલી પાર્ટીમાં આમિર, શાહરુખ, સલમાન, કેટરિના, અભિષેક અને ઐશ્વર્યા બચ્ચન, સૈફ અલી ખાન અને કરીના કપૂર, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે સહિતના બોલિવૂડના કેટલાય જાણીતા સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, હવે એક પછી એક સ્ટાર કોરોના પોઝિટવ જાહેર થઇ રહ્યા છે. પોઝિટિવ જાહેર થતાં મોટાભાગના સ્ટાર વચ્ચે સમાનતા એ છે કે તેઓ કરણની પાર્ટીમાં હાજર હતા. તે પરથી કરણની પાર્ટી સુપર સ્પ્રેડર બની હોવાની વાતો ચર્ચાઈ રહી છે. જોકે કરણના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે આ સ્ટાર્સને કરણની પાર્ટીમાંથી જ ચેપ લાગ્યો તેવું કહી શકાય નહીં. કરણની પાર્ટીમાં હાજર રહેનારા ઘણા સ્ટાર અબુધાબી આઈફા એવોર્ડમાં પહોંચ્યા હતા તેઓ પણ ટેસ્ટિંગ સહિતની તકેદારી બાદ જ વિદેશ પહોંચ્યા હતા.
વાસ્તવમાં ‘આઈફા’માં કેટલાક સ્ટારની ગેરહાજરી જ તેઓ કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર બ્રેક થવાનું નિમિત્ત બની હતી. ‘આઇફા’માં મોટાભાગે બોલિવુડના તમામ એ લિસ્ટર હાજર રહેતા હોય છે. જોકે કેટનિના ગેરહાજર રહેવાથ તે કોરોના પોઝિટિવ હોવાની વાત બહાર આવી હતી. જોકે, હવે કેટરિનાએ ક્વોરન્ટાઈન પિરિયડ પુરો કરી લીધો હોવાનું કહેવાય છે. કેટરિના અગાઉ પોઝિટિવ હતી ત્યારે તેણે સોશિયલ મીડિયા પર જાતે જાણ કરી હતી પરંતુ આ વખતે તેણે મૌન સેવ્યું છે. કેટરિના પછી શાહરુખ ખાન પણ કોરોના પોઝિટિવ હોવાની વાત રવિવારે બપોરે વહેતી થઈ હતી. શાહરુખે તો આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ શાહરુખને બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વહેલી તકે સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી દીધી છે. આદિત્ય રોય કપૂર કોરોના પોઝિટિવ થતાં તેની ફિલ્મ ‘ઓમ ધી બેટલ વિધિન’નું ટ્રેલર લોન્ચિંગ અટક્યું છે. આદિત્ય પણ ‘આઈફા’માં જઈ શક્યો ન હતો. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં અક્ષય કુમાર, સંગીતકાર પ્રિતમ તથા કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ થઇ ચૂક્યા છે. કાર્તિકે તો જોકે તેની સત્તાવાર જાહેરાત પણ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter