કરણ જોહરની બર્થડે પાર્ટીમાં બોલિવૂડ ઉમટ્યું

Friday 03rd June 2022 06:52 EDT
 
 

કરણ જોહરે 25 મેના રોજ તેનો 50મો જન્મદિવસ બોલિવૂડ સ્ટાઇલમાં ધામધૂમથી મનાવ્યો હતો. યશરાજ સ્ટુડિયોના ફ્લોર પર યોજાયેલી પાર્ટીમાં સિતારાઓનો મેળાવડો જામ્યો હતો. કરણની પાર્ટીમાં અનેક સેલિબ્રિટી જોવા મળતી હતી, પણ ખાસ મિત્ર શાહરુખ ખાનની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. પાર્ટીમાં કરણ જોહર ગ્રીન સૂટમાં જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં સલમાન ખાન, ઐશ્વર્યા-અભિષેક બચ્ચન, શાહિદ કપૂર-મીરા રાજપૂત, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલહોત્રા, રણબીર કપૂર, નિતુ સિંહ, માધુરી દીક્ષિત-ડો. શ્રીરામ નેને, કેટરિના કૈફ-વિકી કૌશલ, કરીના કપુર-સૈફ અલી ખાન, કાજોલ, તબ્બુ, રાની મુખરજી, પરિણીતી ચોપરા, ગૌરી ખાન અને પુત્ર આર્યન ખાન, રવિના ટંડન, અનુષ્કા શર્મા, સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા, રશ્મિકા મંદાના, મલાઇકા અરોરા, કરિશ્મા કપૂર, આયુષ શર્મા-અર્પિતા ખાન, શ્વેતા બચ્ચન, અનન્યા પાંડે, અમિતાભની દોહિત્રી નવ્યા નવેલી, જ્હાન્વી કપૂર, શનાયા કપૂર, પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, રકુલ પ્રીતસિંહ-જેકી ભગનાની, રણવીર સિંહ, પ્રિટી ઝિન્ટા અને તેનો પતિ વગેરે જોવા મળતા હતા.

‘એક્સ’નો મેળાવડો
પાર્ટીમાં સેલિબ્રિટી કપલ્સની સાથોસાથ ‘એક્સ’નો પણ જમાવડો જોવા મળતો હતો. ભૂતપૂર્વ પ્રેમીઓ, છુટા પડેલા પતિ-પત્ની, નવાં પ્રેમી પંખીડા અને સ્ટારકિડસ જોવા મળ્યા હતા. જેમ કે, હૃતિક રોશન નવી-સવી ગર્લફ્રેન્ડ સબા આઝાદને લઇને આવ્યો હતો. જ્યારે તેની ભૂતપૂર્વ પત્ની સુઝેન પોતાના પ્રેમી અર્સલાન ગોની સાથે જોવા મળી હતી. આમીર ખાને ભૂતપૂર્વ પત્ની કિરણ સાથે એન્ટ્રી લઈને સૌને ચોંકાવ્યા હતા. કોઈ પાર્ટીમાં આમીર અને સલમાન સાથે હોય એવું બહુ ઓછું બનતું હોય છે. જોકે, નેટિઝન્સને એ મુદ્દે કોમેન્ટ કરવાની વધારે મજા પડી હતી કે આ પાર્ટીમાં સલમાન ઉપરાંત તેની બે એક્સ ઐશ્વર્યા અને કેટરિના પણ હતાં. અહીં કેટરિનાનો એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ હતો. સોશિયલ મીડિયા પર આ પાર્ટીના ફોટોઝ અને વીડિયો વાયરલ થયા હતા. લોકોએ ભરપૂર કામેન્ટ કરી હતી. જેમ કે, ઐશ્વર્યા માટે કોઈએ લખ્યું હતું કે, સાચવજે અહીં સલમાન પણ છે. બીજી તરફ લોકોએ મલાઈકા અરોરાને તેના ડ્રેસની ચોઈસ માટે ભારે ટ્રોલ કરી હતી. પાર્ટી ફ્લોર પર રેડ કાર્પેટ તથા ફોટો શૂટ માટે બેકડ્રોપ રચાયા હતાં. પાર્ટીના સમગ્ર સેટ પાછળ જ એક કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો હોવાનું ચર્ચાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter