બોલિવૂડમાં આંતરિક રાજકારણ રમાઈ રહ્યું છે અને મને હાંસિયામાં ધકેલી દેવાઈ હતી તેવાં પ્રિયંકા ચોપરાના નિવેદનથી વિવાદ જાગ્યો છે. કંગના રણૌતે આ મુદાને હથિયાર બનાવીને ફરી કરણ જોહર પર નિશાન તાક્યું છે. કંગનાએ પ્રિયંકાની અવગણના માટે કરણ જોહરને દોષિત ઠેરવ્યો છે. પ્રિયંકા બોલિવૂડમાંથી હોલીવૂડમાં જતી રહી છે, પરંતુ તેણે ભારત પ્રત્યેની નિષ્ઠા છોડી નથી. તેણે તાજેતરમાં વધુ એક સન્માન ભારતને અપાવ્યું છે. તે હવે એકેડમી ઓફ પિકટર આર્ટસ એન્ડ સાયન્સની ટીમનો હિસ્સો બની છે. આની મેબરશિપ બોર્ડ ઓફ ગવર્નર્સના ઇન્વિટેશનના આધારે જ મળતી હોય છે.
પ્રિયંકાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેને બોલિવૂડમાં કોર્નર કરાઇ રહી હતી. ઘણા લોકો તેના માટે સમસ્યા ઊભી કરી રહ્યા હતા. બોલિવૂડમાં સખત રાજકારણ ચાલતું હોવાથી તે કંટાળી ગઇ હતી. તેને કામ અપાતું નહોતું. પરિણામે તે ભારતની બહાર નીકળવા માંગતી હતી. આ જ સમયે તેને હોલીવૂડમાં કામ મળ્યું હતું અને તેણે તે તક ઝડપી લઇને દેશ છોડી દીધો હતો. કંગનાએ પ્રિયંકાની આ સ્પષ્ટતા પર ટ્વિટ કર્યું છે.
કંગનાએ ટ્વિટ કરીને કરણ જોહરને નિશાના પર લેતા જણાવ્યું હતું કે, કરણે પ્રિયંકાને બોલીવૂડમાં પ્રતિબંધિત કરી દીધી હતી. તેને કામ ન આપીને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી રીતસરની હાંકી કાઢી હતી. જે મહિલાએ પોતાની રીતે ઠરીઠામ થવાનો પ્રયાસ કર્યો તેને જ ભારત છોડવા માટે મજબૂર કરાઇ. તેને એટલી બધી હેરાન કરાઇ હતી કે તેને ભારત છોડવાનું વિચારવું પડ્યું હતું. ઇન્ડસ્ટ્રીનો દરેક વ્યક્તિ જાણે છે કે, કરણ જોહરે તેને પ્રતિબંધિત કરી દીધી હતી. કંગનાએ લખ્યું છે કે, આ અપ્રિય, ઇર્ષાળુ, મતલબી અને ઝેરીલા વ્યક્તએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ક્લચર અને વાતાવરણને બરબાદ કરવા માટે જવાબદાર ઠેરવવો જોઇએ. પહેલા ઇન્ડસ્ટ્રી આવી બિલકુલ નહોતી. આ વ્યક્તિએ બોલિવૂડમાં માફિયાગીરી કરી છે. બહારના લોકોને પરેશાન કરવા માટે તેને જવાબદાર ઠેરવવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, કંગના અને પ્રિયંકાએ ફિલ્મ ‘ફેશન’માં સાથે કામ કર્યું હતું.
શાહરુખનું ઘર ભાંગતું બચાવવાનો પ્રયાસ?
કંગનાના કરણ સામેના આક્ષેપોના પગલે બોલિવૂડ વર્તુળોમાં ફરી એક વાર પ્રિયંકા અને શાહરુખના સંબંધો અંગે ચર્ચા ચાલી છે. એક સમયે પ્રિયંકા ચોપરા અને શાહરુખ ખાન ગાઢ રિલેશનશિપમાં હતા. બંનેના સંબંધો એટલા આગળ વધી ગયા હતા કે તેના કારણે શાહરુખનું ઘર ભાંગે તેવી સ્થિતિ સર્જાઇ હતી. તે વખતે ગૌરી ખાને કરણ જોહરને દરમિયાનગીરી કરવા જણાવ્યું હોવાનું કહેવાય છે. કરણે ધીમે ધીમે એક પછી એક પ્રોજેક્ટસમાંથી પ્રિયંકાને આઉટ કરાવી દીધી હતી. એટલું જ નહીં, પ્રિયંકા માટે એવી સ્થિતિ પેદા કરી હતી કે તેને બોલિવૂડમાં કોઈ મોટાં બેનરમાં કામ ન મળે. આ પછી પ્રિયંકા બોલિવૂડ છોડી હોલિવૂડમાં ગઈ હતી અને ત્યાં આગવું સ્થાન મેળવ્યું છે. સાથે સાથે જ નિક જોનાસ સાથે લગ્ન કરીને ત્યાં સેટલ થઈ ગઈ છે.