કરિશ્મા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ગેસ્ટ સ્પીકર

Monday 11th March 2024 10:22 EDT
 
 

કરિશ્મા કપૂરને નેવુંના દસકાની ફિલ્મો અને ગીતો માટે હંમેશા યાદ કરવામાં આવે છે. એક્ટિંગથી આગવી ઓળખ ઊભી કરનારી કરિશ્મા સોશિયલ મીડિયા પર પર્સનલ અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં કરિશ્માએ અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સ્પીકર તરીકે હાજરી આપી હતી. કરિશ્માએ હાર્વર્ડના સ્ટેજ પર પોતાના અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. અમેરિકાની આ જગવિખ્યાત યુનિવર્સિટીમાં એક ઈવેન્ટ દરમિયાન કરિશ્માને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરાઈ હતી. કરિશ્માએ સોશિયલ મીડિયા પોસ્ટમાં હાર્વર્ડ સ્કૂલની કોન્ફરન્સ અંગે અનુભવ શેર કર્યો હતો અને આ તક બદલ પોતે સન્માનિત થઈ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. કરિશ્માએ ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ખાનને પણ યાદ કરી હતી અને પોતાના જીવનના દરેક તબક્કે બહેને આપેલા સપોર્ટ બદલ આભાર માન્યો હતો.

કરિશ્માની આ પોસ્ટ બાદ અનેક લોકોએ કોમેન્ટમાં અભિનંદન આપી વખાણ કર્યા હતા. જોકે કરિશ્માની આ પોસ્ટ બાદ ટ્રોલર્સ પણ એક્ટિવ થયા હતા અને કરિશ્માને ઓછા ભણતર બાબતે ટોણા માર્યા હતા. એક યુઝરે જણાવ્યુ હતું કે, છઠ્ઠા ધોરણમાંથી કરિશ્મા સીધી અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાં પહોંચી છે. એક યુઝરે કરિશ્માને આઠમું ફેલ ગણાવી હતી. કરિશ્મા કપૂરે ખૂબ નાની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી. માંડ 16 વર્ષની ઉંમર હતી ત્યારે કરિશ્માની પહેલી ફિલ્મ આવી હતી. કરિશ્મા કપૂર ખાનદાનની પહેલી દીકરી હતી જેણે એક્ટિંગમાં પગરણ માંડ્યા હતા. કરિશ્માએ પોતાની કરિયર માટે અભ્યાસ છોડી દીધો હતો. કરિશ્માએ નેવુંના દસકામાં અનેક હિટ ફિલ્મો આપી હતી. લગ્ન બાદ કરિશ્માએ ફિલ્મોને અલવિદા કહ્યુ હતું. પતિ સાથે છૂટાછેડા બાદ પણ કરિશ્મા લાંબા સમય સુધી એક્ટિંગથી દૂર રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter