કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

Friday 18th September 2026 10:33 EDT
 
 

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.
સામાન્ય રીતે પાપારાઝીઓને રાજીખુશી પોઝ આપવા માટે જાણીતી કરીના આ વખતે તસવીરકારો માટે અટક્યા વિના જ રવાના થઇ ગઇ હતી. એક અટકળ અનુસાર સંજય લીલા ભણશાળીની ધનુષ સાથેની આગામી ફિલ્મમાં હિરોઇન તરીકે કામ કરવા કરીનાએ સંજય લીલા ભણશાળીનો સંપર્ક કર્યો છે. બંને વચ્ચેની પચીસ વર્ષ જૂની દુશ્મનીના મૂળમાં ‘દેવદાસ’ ફિલ્મ છે.
2000ની શરૂઆતમાં સંજય લીલા ભણશાળીએ કરી ‘દેવદાસ’ ફિલ્મમાં પારોની ભૂમિકા માટે કરીનાનો સંપર્ક કરીને તેનો સ્ક્રિન ટેસ્ટ લઇને સાઇનિંગ એમાઉન્ટ પણ આપી દીધી હતી. જોકે બાદમાં નવીસવી કરીનાનું પત્તું કોઇક કારણસર કપાઇ ગયું હતું અને આ ભૂમિકા ઐશ્વર્યા રાયને ફાળે ગઇ હતી. કરીનાએ એ વખતે આ છેતરપિંડી કરનારા સંજય લીલા ભણશાળી સાથે કદી કામ નહીં કરે તેમ જણાવ્યું હતું. જોકે, એક ટોક શોમાં કરીનાએ તેમની વચ્ચે સુલેહ થવાનો સંકેત આપ્યો હતો. અને હવે આ વીડિયો આવ્યો છે, જે ઘણો સંકેતસુચક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter