અભિનેત્રી કરીના કપૂરે પહેલી જુલાઇએ બોલિવૂડમાં 25 વર્ષની કારકિર્દી પૂરી કરી છે. તેણે વર્ષ 2000માં ‘રેફ્યૂજી’ ફિલ્મથી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે 25 વર્ષ પછી કરીના ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ચૂકી છે. કરીના પોતાના સમયમાં ઈન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રી પૈકીની એક હતી. બોલિવૂડમાં શાનદાર 25 વર્ષ પૂરા કરતાં કરીના કપૂરે હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. પોતાની પ્રથમ ફિલ્મ ‘રેફ્યૂજી’ સાથે સંકળાયેલી કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં કરીના પોતાના સહ-અભિનેતા અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહી છે. કેટલીક તસવીરોમાં તે એકલી છે. કરીનાએ આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં કાંઈ ખાસ નથી લખ્યું. માત્ર એટલું જ લખ્યું છે કે, ‘25 વર્ષ અને હંમેશા માટે..’ પોસ્ટમાં કરીના કપૂરે કેટલાક ઈમોજીનો ઉપયોગ કર્યો છે. તેમાં રેડ હાર્ટ અને ઈન્ફિનિટીની સાઇન છે.
કરીના કપૂરની પ્રથમ ફિલ્મને આશા મુજબ સફળતા નહોતી મળી. બોક્સ ઓફિસ પર ફિલ્મ એવરેજ રહી હતી. જોકે કરીનાના અભિનયના વખાણ થયા હતા અને ગીતો હિટ રહ્યા હતા. લોકોના પ્લે લિસ્ટમાં આજે પણ તે ગીતો છે. કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો 25 વર્ષ પછી પણ કરીના ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ છે. તે સતત ફિલ્મો કરી રહી છે. કરીના ગયા વર્ષે ફિલ્મ ‘સિંઘમ અગેઈન’માં જોવા મળી હતી. હાલમાં તે આગામી ફિલ્મ ‘દાયરા’ માટે ચર્ચામાં છે.