કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 40 વર્ષે ભારતીય ફિચર ફિલ્મ

Monday 22nd April 2024 08:23 EDT
 
 

કોઇ ભારતીય ફિચર ફિલ્મે ચાલીસ વર્ષના લાંબા અરસા બાદ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન મેળવ્યું છે. પૂણેની ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)માં ભણેલાં પાયલ કાપડિયા લિખિત-દિગ્દર્શિત પ્રથમ નેરેટિવ ફિચર ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ની 77મા કાન ફિલ્મ ફેસ્ટિવલના કોમ્પિટિશન સેક્શનમાં પસંદગી થવા સાથે ઈતિહાસ રચાયો છે. ચાળીસ વર્ષ બાદ પહેલી વાર કોઈ ભારતીય ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર રીતે પસંદ થઇ છે. છેલ્લે 1983માં મૃણાલ સેનની ‘ખારીજ’ કાન ફિલ્મ ફેસ્ટિવલના કોમ્પિટિશન સેક્શનમાં દર્શાવાઇ હતી. આ વખતે બ્રિટિશ-ઇન્ડિયન ફિલ્મમેકર સંધ્યા સુરિની ‘સંતોષ’ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલના અનસર્ટન રિગાર્ડ સેક્શનમાં દર્શાવાશે. આ અગાઉ પાયલ કાપડિયાની ડોક્યુમેન્ટરી ‘એ નાઈટ ઓફ નોઇંગ નથિંગ’નું 2021માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ ડાયરેક્ટર્સ ફોર્ટનાઈટમાં પ્રિમિયર યોજાયો હતો. જેમાં તેને ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો. 77મા કાન ફિલ્મ ફેસ્ટિવલના કોમ્પિટિશન સેક્શનમાં દુનિયાના ટોચના ફિલ્મ સર્જકોની 19 ફિલ્મો સાથે પાયલ કાપડિયાની ફિલ્મ સ્પર્ધામાં ઉતરશે. કાપડિયાની આ ફિલ્મના કેન્દ્રમાં પ્રભા નામની નર્સ છે. પ્રભાને તેના વિખૂટા પડી ગયેલાં પતિ તરફથી એક ભેટ મળે છે અને તેનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ફ્રાન્સના કાન શહેરમાં 14થી 25 મે દરમિયાન યોજાનારા આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત ક્વેન્ટિન દુપ્લેની ‘ધ સેકન્ડ એક્ટ’ સાથે થશે. કોમ્પિટિશન સેકશનમાં ફ્રાન્સિસ ફોર્ડ કપોલાની ‘મેગાપોલિસ’, યોર્ગોસ લાથિમોસની ‘કાઈન્ડસ ઓફ કાઈન્ડનેસ’, પોલ શ્રોડરની ‘ઓહ કેનેડા’ વગેરે દર્શાવાશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter