કરીના કપૂર ખાનના સાસુ એટલે કે વીતેલા યુગના જાજરમાન અભિનેત્રી શર્મિલા ટાગોર આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ - 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ આ ફેસ્ટિવલમાં રિસ્ટોર કરેલી ક્લાસિક ફિલ્મ ‘અરન્યેર દિન રાત્રિ’નાં વર્લ્ડ પ્રિમીયરમાં ભાગ લેશે, તેમણે 1970માં આ ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો. તેથી તેમના માટે ગૌરવની ક્ષણો છે.
કરીનાએ આ મુદ્દે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને શર્મિલા ટાગોરને ટ્રિબ્યુટ આપી હતી. કરીનાએ ‘અરન્યેર દિન રાત્રિ’ માટેની કાન 2025ની શર્મિલા ટાગોરની પોસ્ટ રી-શેર કરતાં આ બાબતે ખુશી વ્યક્ત કરી હતી. શર્મિલાએ કહ્યું હતું, ‘આ એક અદ્દભુત વાત છે કે માનિક દાની ‘અરન્યેર દિન રાત્રિ’ રિસ્ટોર થઈ અને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે તેનું વર્લ્ડ પ્રિમીયર થવાનું છે. મારી પાસે એ ફિલ્મમાં સાથી કલાકારો સાથે વિતાવેલા સમયની અમૂલ્ય યાદો છે અને ખાસ તો માનિક દાની ચોકસાઈ. એમણે જે રીતે મેમરી ગેમનું દશ્ય શૂટ કર્યું, એ અદભુત હતું. હું હવે રિસ્ટોર થયેલી ફિલ્મ જોવા ઉત્સુક છું. આ એક એવી પ્રસ્તુત ફિલ્મ છે, કે જે આજે પણ સમગ્ર વિશ્વના દર્શકોને જોડી શકે છે.’ આ પોસ્ટને રીશેર કરતાં કરીને પોતાનો ઉત્સાહ અને ખુશી વ્યક્ત કરતાં માત્ર એટલું જ લખ્યું હતુંઃ ‘લિજેન્ડ’. સાથે સાથે જ રેડ હાર્ટના ઈમોજી મૂક્યા હતા.
‘અરન્યેર દિન રાત્રિ’ 1970માં બનેલી બંગાળી ફિલ્મ છે, જે સત્યજિત રાય દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તે સુનિલ ગંગોપાધ્યાયની એ જ નામની નવલકથા પરથી પ્રેરિત હતી. આ ફિલ્મમાં શર્મિલા ટાગોર, કાવેરી બોઝ, સિમિ ગરેવાલ, સૌમિત્ર ચેટર્જી, શુભેન્દુ ચેટર્જી, રબિ ઘોષ, સમિત ભાંજા જેવા કલાકારો હતાં. સાથે પ્રેમાશિષ સેન, સમર નાગ, ખૈરતીલાલ લાહોરી, માસ્ટર દિબ્યુદુ ચેટર્જી અને અપર્ણા સેન પણ હતાં.