બોલિવૂડની અભિનેત્રી મિશ્ટી મુખરજીનું બીજી ઓક્ટોબરે બેંગલુરુમાં નિધન થયું હતું. ઝડપથી વજન ઘટાડવાની લહાયમાં ડોક્ટરની સલાહ લીધા વગર ડાયેટ અપનાવનારા લોકો માટે આ કિસ્સો આંખો ખોલી શકે છે. કારણ કે કિટો ડાયેટથી મિશ્ટીની કિડની ફેઇલ થઈ જવાથી તેનું મૃત્યુ થયું હતું. મિશ્ટીના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, અનેક ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કરનારી મિશ્ટી મુખરજી હવે રહી નથી. કિટો ડાયેટના કારણે તેની કિડની ફેઇલ થતાં બીજી ઓક્ટોબરે રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અભિનેત્રીને ખૂબ જ પીડા થઈ હતી. મિશ્ટીએ ‘લાઇફ કી તો લગ ગઈ’ ફિલ્મથી વર્ષ ૨૦૧૨માં બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે અનેક તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
કિટો ડાયેટ શું છે અને એની કિડની પર શું અસર થઈ શકે?
કિટોજેનિક ડાયેટ એટલે કે કિટો ડાયેટમાં ફેટનું પ્રમાણ વધારે જ્યારે કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે. એક આદર્શ કિટો ડાયેટમાં પ્રતિદિન અનુસાર ૭૫ ટકા ફેટ, ૨૦ ટકા પ્રોટીન અને પાંચ ટકા જ કાર્બોહાઇડ્રેટ્સ રહે છે. આ ડાયેટનો મુખ્ય સિદ્ધાંત કાર્બોહાઇડ્રેટ્સના તમામ સ્ત્રોતોને દૂર કરીને શરીરની ઊર્જાના સ્ત્રોત તરીકે ફેટનો ઉપયોગ કરવાનો છે. આ ડાયેટના અનેક ફાયદા હોય છે. જોકે, અનેક સંશોધનમાં એનાથી શરીર પર વિપરીત અસર થતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ ડાયેટથી ખાસ કરીને કિડનીમાં પથ્થરની સમસ્યા થઈ શકે છે.