કિયારા-સિદ્ધાર્થને ત્યાં લક્ષ્મીજી પધાર્યાં

Wednesday 23rd July 2025 05:10 EDT
 
 

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બન્યાં છે. તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે. પુત્રી જન્મતાં અડવાણી અને મલ્હોત્રા પરિવારમાં ખુશીઓ મનાવાઇ રહી છે. સ્ટાર કપલે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, હવે તેમની દુનિયા હંમેશ માટે બદલાઈ ગઈ છે. લાંબા સમયથી આ પળની રાહ જોવાતી હતી. માતા બનવા માટે કિયારાએ પોતાની કરિયરને એક બાજુ મૂકી દઈને મોટા ભાગનો સમય પોતાની પ્રેગ્નન્સી જર્નીને આપ્યો હતો. સિદ્ધાર્થ અને કિયારા માતાપિતા બનતાં ઈન્ડસ્ટ્રીમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સિદ્ધાર્થ અને કિયારાએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, તેમના ઘરે પુત્રીનો જન્મ થયો છે. હવે અમારું જીવન હંમેશ માટે બદલાઈ ગયું છે. એક્ટરની આ પોસ્ટ પર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી પરિણીતિ ચોપડા, અથિયા શેટ્ટી, નીના ગુપ્તા, અદા ખાન, ભારતીસિંહ, સુનીલ ગ્રોવર, ભૂમિ પેડનેકર, ફલક નાઝ સહિત ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે અભિનંદન આપ્યા છે. કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની લવસ્ટોરી 2018માં શરૂ થઈ હતી. બંનેની મુલાકાતો પ્રેમમાં પરિણમી હતી અને 2023માં બંનેએ લગ્ન કર્યાં હતાં. લગ્નનાં લગભગ અઢી વર્ષ પછી કિયારાએ પુત્રીને જન્મ આપ્યો છે. પ્રેગ્નન્સીના કારણે કિયારાએ ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન-3’ છોડવી પડી હતી. જોકે, તે રિતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘વોર-2’માં જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રા જહાન્વી કપૂરની સાથે ફિલ્મ ‘પરમ સુંદરી’માં જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter