કેટ-વિક્કી લગ્નબંધને બંધાયાઃ રિશ્તા નયા રબ્બા, દિલ છૂ રહ્યા હૈ...

Wednesday 15th December 2021 05:19 EST
 
 

કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નપ્રસંગની એક પછી એક તસવીરો ધીમે ધીમે જાહેર થઇ રહી છે. કેટરિના કે વિક્કી બંનેમાંથી કોઈએ લગ્નના મામલે સત્તાવાર રીતે મગનું નામ મરી પાડ્યું ન હોવાથી અને ગુપ્તતા જાળવી રહ્યા હોવાથી લોકોને લગ્ન વિશે જાણવાની ભારે ઉત્સુક્તા હતી. જોકે આ તસવીરો પણ દંપતી દ્વારા જ રિલીઝ થઇ રહી છે. સવાઈ માધોપુર જિલ્લામાં આવેલી હોટેલ સિક્સ સેન્સ ફોર્ડમાં શાનદાર લગ્નસમારોહ લોખંડી બંદોબસ્ત અને ભારે ગુપ્તતા વચ્ચે યોજાયો હતો. જોકે લગ્નવિધિ પૂરી થઈ પછી આખરે કેટરિનાએ સૌથી પહેલાં બંનેના ફોટો શેર કર્યા હતા. એ પછી સોશિયલ મીડિયામાં એ બધા જ ફોટો વાઇરલ થયા હતા. નવમી ડિસેમ્બરે સવારે દસ વાગ્યાના મૂહુર્તથી જ લગ્નની વિધિ શરૂ થઈ ગઈ હતી. વિન્ટેજ કારમાં વિક્કીની જાન જોડાઈ હતી. કેટરિનાની પોસ્ટ પછી તુરંત વિક્કી કૌશલે પણ ઈન્સ્ટાગ્રામમાં ફોટો શેર કર્યા હતા. બંનેએ એકસરખું નિવેદન પોસ્ટ કરતા લખ્યું હતુંઃ ‘અમારા બંનેના હૃદયમાં રહેલા પ્રેમ અને ઋણાનુબંધે અમને આ ક્ષણ સુધી પહોંચાડયા છે. આ સહિયારી યાત્રાની શરૂઆત સમયે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.’ આ તસવીરો સામે આવી તે સાથે જ તમામ અટકળોનો પણ અંત આવ્યો હતો. ચાહકોએ બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શુભેચ્છાઓ પાઠવી હતી.
સોશિયલ મીડિયામાં હેશટેગ કેટરિના-વિક્કી વેડિંગ, કેટરિના વિક્કી કી શાદી, 'વિકેટ' વેડિંગ ટોપ ટ્રેન્ડ બન્યા હતા. કેટરિના કૈફ અને વિક્કી કૌશલના ચાહકોએ બંનેના નામ પરથી ખાસ નામ બનાવ્યું હતું. વિક્કી કૌશલના નામમાંથી 'વિ' અને કેટરિનાનું હુલામણું નામ 'કેટ' મેળવીને ‘વિકેટ’ એવું નામ રાખ્યું હતું. ગણતરીના કલાકોમાં જ લાખ જેટલી ટ્વિટ્સ અને અસંખ્ય પોસ્ટ શેર થઈ હતી.
નીલમજડિત વીંટી
વિક્કી કૌશલે જીવનસાથીને એક બ્રાન્ડેડ રિંગ ભેટમાં આપી છે, જેમાં એક મોટો નીલમ અને તેની ચારેબાજુ હીરા જડેલા છે, આ વીંટીની કિંમત ૯૮૦૦ ડોલર એટલે કે અંદાજે રૂ. ૭.૫ લાખ છે. કહેવાય છે કે, આવી જ વીંટી પ્રિન્સેસ ડાયનાની આઇકોનિક નીલમની વીંટીની ડિઝાઇન સાથે મેળ ખાય છે. કેટરિનાને પહેરેલી જવેલરીની નથના પણ વખાણ થઇ રહ્યા છે. જેમાં બે સફેદ મોતીઓની સાથે એક ગોલ્ડન મોતી પણ જોવા મળે છે. જ્યારે તેના મંગળસૂત્રમાં બે ડાયમંડના ડ્રોપ જોવા મળે છે. નવવિવાહીત યુગલે પોતાની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું કે, તેમના માટે હવે પતિ-પત્ની તરીકેની એક નવી યાત્રાની શરૂઆત છે.
લગ્નનો ખર્ચો સહિયારો
જયપુરથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલી ઐતિહાસિક હવેલીમાં બંનેએ લગ્ન કર્યા હતા. ફેરાની વિધિ સંપન્ન થયા બાદ આસપાસના ગામડાંમાં અને હોટેલ આસપાસના ગામડાંઓ અને હોટેલ બહાર ઉમટી પડેલા ચાહકોને મિઠાઇ વહેંચવામાં આવી હતી. આ દરમિયાન એવા રિપોર્ટ મળ્યા છે કે, આ શાહી લગ્નનો ખર્ચો કેટરિના ૭૫ ટકા જેટલો પોતે ભોગવી રહી છે. જ્યારે બાકી ૨૫ ટકા લગ્નના ખર્ચની જવાબદારી વિક્કી કૌશલે લીધી છે. લગ્નના મહત્વના ફેંસલા પણ કેટરિનાએ જાતે જ લીધા હતા. રિપોર્ટના અનુસાર, કેટરિના અને વિક્કીને લગ્ન માટેનું સવાઇ માધોપુરમાં સિક્સ સેન્સેસ ફોર્ટ વેડિંગ વેન્યુ મફતમાં આપવામાં આવ્યું છે. પ્રોપર્ટીના માલિકોને આશા છે કે, આ હાઇ-પ્રોફાઇલ લગ્નથી આ ફોર્ટને ખાસ્સી લોકપ્રિયતા મળશે.
લગ્નના ફૂટેજ રૂ. ૮૦ કરોડમાં વેંચ્યા?
કેટરિના અને વિક્કીએ તેમના લગ્નના એક્સક્લુઝિવ ફૂટેજ ઓટીટી પ્લેટફોર્મને વેંચ્યા હોવાની ચર્ચા છે. આ ફૂટેજનો સોદો તેમણે રૂપિયા ૮૦ કરોડમાં કર્યો હોવાનું કહેવાય છે. તાજેતરમાં એવી વાત હતી કે એક આંતરાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મે કેટરિના અને વિક્કીના લગ્નના ફૂટેજ ખરીદવા માટે સંપર્ક કર્યો હતો. જોકે હવે ઓટીટી પ્લેટફોર્મસે આ ફૂટેજના હક્ક ખરીદી લીધા છે. અહેવાલ અનુસાર, ફૂટેજના ટેલિકાસ્ટ રાઇટ્સ એમેઝોન પ્રાઇમે ખરીદી લીધા છે. તેથી જ આ યુગલે પોતાના ગેસ્ટ પાસેથી કોન્ફિડન્શયલ એગ્રીમેન્ટ સાઇન કરાવ્યું છે. અને લગ્નપ્રસંગના ફોટો, વીડિયો શૂટ કરવાની અથવા કોઇ રીલ બનાવાની અને લોકેશન ડિસ્કોલઝ કરવાની પરવાનગી નહોતી.
‘વિરુષ્કા’ના પાડોશી બન્યા
કેટરિના અને વિક્કી મુંબઇમાં એક આલિશાન ઘર ભાડા પર લીધું છે. આ જ બિલ્ડિગમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ રહે છે. કહેવાય છે કે, આ સી-ફેસિંગ ઘર માટે યુગલે ૧.૭૫ કરોડ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ આપી છે. જ્યારે તેનું ભાડુ આઠ લાખ રૂપિયા મહિનાના ચૂકવશે. સૂત્રોના અનુસાર, વિક્કી કૌશલે જુલાઇ મહિનામાં મુંબઇમાં રાજ મહલ બિલ્ડિંગના આઠમા ફ્લોર પર એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે, જેમાં ચાર બેડરૂમ છે. પાંચ હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ શાનદાર એપાર્ટમેન્ટમાંથી સમુદ્રનો સુંદર નજારો નિહાળી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter