બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ હવે માલદીવની ગ્લોબલ ટૂરિઝમ એમ્બેસેડર બની છે. વિઝિટ માલદીવે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરતાં લખ્યું હતું કે તેઓ કેટરિના કૈફને તેમના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મેળવીને ખૂબ જ ખુશ છે. નોંધનીય છે કે કેટરિના ભારતમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની દુનિયામાં એક મોટો ચહેરો છે. આ પ્રસંગે કેટરિનાએ કહ્યું ‘માલદીવ એ વૈભવી અને કુદરતી સૌંદર્યનું શિખર છે, એક એવી જગ્યા છે જ્યાં સરળતા અને શાંતિનો સમન્વય થાય છે. મને ‘સની સાઈડ ઓફ લાઈફ'નો ચહેરો બનવાનો ગર્વ છે. આ સહયોગ દ્વારા, હું માલદીવની વિશેષતા અને વિશ્વભરના લોકોને અદભુત મુસાફરી અનુભવનો પરિચય કરાવવા માટે ઉત્સાહિત છું.’
આ સહયોગ એવા સમયે આવ્યો છે જ્યારે ગયા વર્ષે જાન્યુઆરીથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં થોડી કડવાશ જોવા મળી હતી. માલદીવની સુંદરતા, સમૃદ્ધ દરિયાઈ જીવન અને વૈભવી અનુભવોને શોધવા માટે વિશ્વભરના વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે વિઝિટ માલદીવે તાજેતરમાં સમર સેલ કેમ્પેન શરૂ કર્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને માલદીવની મુલાકાત લઈ શકે છે.