કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અટકળો છેલ્લા કેટલાય દિવસથી વહેતી થઈ હતી. હવે આ અટકળો આખરે સાચી ઠરી છે. વિકી અને કેટરિનાએ સ્વયં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર કેટરિનાની પ્રેગનન્સીની જાહેરાત કરી છે. કેટરિનાના બેબી બમ્પ સાથેની તસવીર શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે ‘અમારી જિંદગીનાં સૌથી શ્રેષ્ઠ પ્રકરણનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે.’ આ પોસ્ટ સાથે જ બોલીવૂડમાંથી કરીના કપૂર, રિયા કપૂર, ભૂમિ પેડનેકર, તબુ સહિત અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત લાખો ચાહકોએ પણ યુગલને અભિનંદન પાઠવ્યાં હતાં. ચાર વર્ષ પહેલાં વિકી અને કેટરિનાના લગ્ન થયાં હતાં. તે પછી કેટરિના પ્રેગનન્ટ હોવાની અફવા એકથી વધુ વખત ચગી હતી. જોકે, થોડા દિવસો પહેલાં આ યુગલનાં નજીકનાં સૂત્રોએ કહ્યું હતું કે કેટરિના ખરેખર પ્રેગનન્ટ છે અને તે ઓક્ટોબર કે નવેમ્બરમાં સંતાનને જન્મ આપી શકે છે. કેટરિના કેટલાય સમયથી ભાગ્યે જ જાહેરમાં દેખાતી હતી. છેલ્લા કેટલાક સમયથી તે લૂઝ ફીટિંગવાળાં વસ્ત્રો જ પસંદ કરતી હતી. તે પરથી તેની પ્રેગનન્સીની અટકળો વ્યાપક બની હતી.