કેન્સર સામે જંગ લડતી હિના ખાને રોકી સાથે લગ્ન કર્યાં

Saturday 14th June 2025 07:15 EDT
 
 

એક્ટ્રેસ હિના ખાને લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા રોકી જયસ્વાલ સાથે સાદગીથી લગ્ન કરી લીધા છે. હિના ખાન અત્યારે ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિનાએ આ બીમારીને માત આપવાના બુલંદ ઈરાદા સાથે નવા જીવનની શરૂઆત કરી છે. લગ્ન પ્રસંગે નિકટના મિત્રો-પરિવારજનો જ હાજર રહ્યા હતા. બાદમાં તેમણે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. નવા જીવનની શરૂઆત અંગે નવદંપતીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, બે અલગ-અલગ દુનિયામાંથી આવેલા અમે લોકોએ પ્રેમનું વિશ્વ બનાવ્યું છે. અમારા વચ્ચેની ભિન્નતા ભૂંસાઈ ગઈ છે અને મન મળી ગયા છે. આજે હંમેશા માટે અમારા મેળાપને પ્રેમ અને કાયદાની સ્વિકૃતિ મળી છે.’ અંતમાં તેમણે પતિ-પત્ની તરીકે શુભકામનાઓ માગી હતી. હિના ખાનના પતિ રોકી જયસ્વાલનું પૂરું નામ જયંત જયસ્વાલ છે. કોલકાતાના વેપારી પરિવારમાં રોકીનો જન્મ થયો હતો. કરિયરની શરૂઆતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ અને બાદમાં એડમેકર તરીકે કામ કરનારો રોકી બાદમાં મુંબઈ શિફ્ટ થયો હતો અને ટીવી સિરિયલોમાં હાથ અજમાવ્યો હતો. ‘સસુરાલ સિમર કા’, ‘સાથ નિભાના સાથિયા’, ‘કુછ તો લોગ કહેંગે’ જેવી સિરિયલમાં રોકીએ સુપરવાઇઝિંગ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. રોકીએ સિરિયલની સાથે ફિલ્મોમાં પણ કામ કરેલું છે. રોકી અને હિનાની પહેલી મુલાકાત ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના સેટ પર થઈ હતી. હિના અને રોકી છેલ્લા 11 વર્ષથી રિલેશનશિપમાં છે. હિનાની કેન્સરની તકલીફ દરમિયાન પણ રોકી અડીખમ તેની સાથે રહ્યો છે. હિના અત્યારે જીવનના નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે ત્યારે રોકીનો સપોર્ટ તેના માટે ખૂબ મહત્ત્વનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter