કેન્સરને માત આપી, પણ પીડાદાયક રહી સફર

Thursday 16th June 2022 06:53 EDT
 
 

છવિ મિત્તલ બાદ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ બ્રેસ્ટ કેન્સર થયું હોવાનો ખુલાસો કર્યો છે અને પોતાની પીડાદાયક સફરની વાત શેર કરી છે. કેન્સર અંગે ક્યારે અને કઈ રીતે ખબર પડી તેની વાત કરતાં-કરતાં મહિમા રડી પડી હતી. કિમોથેરપીના કારણે મહિમાના બધા વાળ જતા રહ્યા હતા, પરંતુ તે હિંમત હારી ન હતી. મહિમાએ બ્રેસ્ટ કેન્સરની વાત પોતાના પેરેન્ટ્સથી પણ છુપાવીને રાખી હતી. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર મહિમાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે આ બધી વાત કરી રહી છે. અનુપમ કહે છે કે તેણે મહિમાને પોતાની ફિલ્મ ‘ધ સિગ્નેચર’ માટે ફોન કર્યો ત્યારે તેમને આ અંગે જાણ થઈ. જોકે હવે મહિમા સ્વસ્થ છે અને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. મહિમાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, કેન્સરના કોઈ લક્ષણ નહોતા. દર વર્ષે બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી જેવા રિપોર્ટ થતા હતા. સોનોગ્રાફીમાં ડોક્ટરને શંકા ગઈ અને બાયોપ્સી કરાવવા કહ્યું હતું. જેમાં પ્રી-કેન્સર સેલ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ સેલ્સને રિમૂવ કરાવ્યા ત્યારે તે કેન્સર બની ચૂક્યા હોવાની ખબર પડી હતી. કેન્સરની સારવાર માટે કિમોથેરપી લીધી. 10 દિવસ સુધી તેણે પોતાને કેન્સર હોવાની મમ્મીને કહી ન હતી અને પેરેન્ટ્સને મળી પણ ન હતી. બાદમાં બધી વાત કહી તો મમ્મીનું બ્લડ પ્રેશર વધવા લાગ્યું અને તે બેહોશ થવા લાગ્યાં.
મહિમાએ કપરા સમયમાં સપોર્ટ બદલ અનુપમ ખેરનો આભાર માન્યો હતો. અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, મહિમા હવે કેન્સરમાંથી ઉગરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મહિમાએ 1997માં શાહરુખ ખાન સાથે ‘પરદેશ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેની છેલ્લી ફિલ્મ ‘ડાર્ક ચોકલેટ’ 2016માં આવી હતી. હાલ તે અનુપમ ખેરની ફિલ્મ ‘ધ સિગ્નેચર’નું શૂટિંગ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter