બોલિવૂડ માટે 2025નું વર્ષ કપરું રહ્યું હતું. 2025માં બોલિવૂડ નહીં, પણ રિજનલ સિનેમાનો દબદબો જોવા મળ્યો હતો. જોકે વર્ષની છેલ્લી સૌથી મોટી રિલીઝ ‘ધૂરંધર’ની સફળતા બોલિવૂડ માટે હાશકારો લાવી છે. આ ફિલ્મની સફળતા અને નવા વર્ષની ઉજવણી કરવા માટે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અમેરિકા પહોંચ્યા હતા. તેમણે ન્યૂ યોર્ક સિટીમાં શોપિંગ અને લાસ વેગાસમાં બેકસ્ટ્રીટ બોયઝના કોન્સર્ટની તસવીરો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેઓ સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાની રેસ્ટોરાં ‘બંગલો’માં દાડમ અને એલચીનો મોદક બનાવતા જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ ન્યૂ યોર્કમાં જોવા મળ્યા હતા. તેમણે ફેન્સ સાથે ફોટા પડાવ્યા હતા. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ફ્રેન્ડ્રસ સાથે રોમમાં નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિયારા અડવાણી સાથે 2025ની યાદગાર પળો દર્શાવતો ઈમોશનલ વીડિયો શેર કર્યો હતો. કરીના કપૂર ખાને 2025ને મુશ્કેલ વર્ષ ગણાવ્યું હતું અને એક નોટ લખી હતી. જેમાં, પતિ સૈફ પર થયેલા છરી હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઈશા દેઓલે દુબઈથી પિતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી હતી. શિબાની દાંડેકરે 2025ને પડકારજનક વર્ષ ગણાવ્યું હતું. અનિલ કપૂરે પુત્રી સોનમ કપૂર, જમાઈ આનંદ આહુજા અને પૌત્ર વાયુ સાથે એક ફેમિલી પાર્ટીનું આયોજન કર્યું હતું. કાજોલ અને અજય દેવગણે નજીકના ફ્રેન્ડ્સ સાથે નવા વર્ષને વેલકમ કર્યું હતું. નિમ્રત કૌરે નવા વર્ષની શરૂઆત જંગલ સફારી સાથે કરી હતી. તેણે પહેલી જાન્યુઆરીની સવારે મહારાષ્ટ્રના વાઘ અભ્યારણનો પ્રવાસ કર્યો હતો. સોનાક્ષી સિંહા પતિ ઝહીર ઇકબાલ સાથે માલદીવ પહોંચી હતી. ફિટનેસ ગોલ્સને સમર્પિત સોનુ સૂદે નવા વર્ષની શરૂઆત જીમમાં કસરત સાથે કરી હતી.


