કોમલ ઠાકરનું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ વોક

ડો. અનાહિતા ભટ્ટ Tuesday 31st May 2022 05:22 EDT
 
 

માત્ર આમંત્રિતો માટેના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અને વૈશ્વિક મંચ પર સૌથી પ્રતિષ્ઠિત ગણાતા 75મા વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર આ એક ગુજરાતી ચહેરો પણ ઝળક્યો હતો અને તેનું નામ હતું કોમલ ઠાકર. ગુજરાતી અભિનેત્રી કોમલ ઠાકર માટે કાન્સ ફેસ્ટિવલના આમંત્રિતોની યાદીમાં સ્થાન મેળવવાનું ગૌરવશાળી બની રહ્યું. તેમણે સાડી પહેરી રેડ કાર્પેટ પર ચાલીને નવી ભાત ઉપસાવી હતી. આ સન્માન મેળવીને ખુશખુશાલ કોમલે ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો રેડ કાર્પેટ પર ચાલવાની તક મળે તો સાડી જ પહેરવી તે નક્કી હતું અને આ માટે તેણે ડિઝાઈનર નિકિતા ઠક્કરને સુંદર સાડી તૈયાર કરવાની સુચના અગાઉથી જ આપી દીધી હતી. કાન્સનો અનુભવ વર્ણવતાં તેણે કહ્યું હતું કે સૌથી પ્રસિદ્ધ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલવાની તક મળી હોવાનું હું માની જ શકતી નથી. રેડ કાર્પેટ વોકની 30 સેકન્ડ પોતાના જીવનમાં સૌથી શ્રેષ્ઠ પળો હોવાનું જણાવી કોમલ કહે છે કે, ‘તમામ આંતરરાષ્ટ્રીય સેલેબ્રિટીઝમાં હું એકમાત્ર ગુજરાતી હોવાનું ગૌરવ મને સાંપડ્યું છે. આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં સામાન્યતઃ ગાઉન પહેરવામાં આવે છે, પણ પરંતુ, મેં ભવ્યતા દર્શાવતી સાડી પહેરી હતી.’
કોમલ કહે છે કે, ‘જો ગુજરાતીઓ કશું કરવાનો નિર્ધાર કરી લે છે તો તેમને કોઈ અટકાવી શકતું નથી. જો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એકસંપ થઈ જાય તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને ગુજરાતમાં લાવવાની પણ તેમની પાસે તાકાત છે! હાલ નિર્માણ કરાતી ગુજરાતી ફિલ્મો ઘણી સારી હોય છે પરંતુ, ઓડિયન્સ મળતું નથી. જો ગુજરાતી ઓડિયન્સનો ટેકો મળે તો આપણે ઊંચા શીખરો સર કરી શકીએ તેમ છીએ.’
કોમલ ઠાકરને રેડ કાર્પેટ વોકની મંજૂરી મળી ત્યારે તેની પાસે તૈયારીનો ઘણો ઓછો સમય હતો. આથી ફિલ્મજગતના ઘણા દિગ્ગજ લોકોને મળવા છતાં, તેમની સાથે વાતચીતનો મોકો મળ્યો ન હતો. રેડ કાર્પેટ વોક કરનારાની સંખ્યા પણ વધુ હતી અને તે પછી તરત જ લગભગ સાડા ત્રણ કલાકની ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપવાની હોવાથી ભારે દોડાદોડી થઈ હતી.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી સેલિબ્રિટીઝ લગભગ નહીંવત્ હતી. ગુજરાતીઓએ પોતાની હાજરી કેવી રીતે નોંધાવવી જોઈએ તેવા પ્રશ્નના ઉત્તરમાં કોમલ ઠાકરે કહ્યું હતું કે, ‘હું એક બાબતે શરૂથી જ ચોક્કસ હતી કે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી તરીકે જ રેડ કાર્પેટ પર ચાલવું છે. મેં બોલિવૂડની ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ કરી છે પરંતુ, મેં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું હતું. આનાથી ભારતીય પેવેલિયન પ્રભાવિત થતાં મને રેડ કાર્પેટ પર ચાલવાની તક મળી હતી.’
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી કામગીરી પર થનારી અસર વિશે તેમણે કહ્યું હતું કે, ‘હવે હું વધુ આત્મવિશ્વાસથી કાર્ય કરીશ. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જ મને પ્રસિદ્ધિ અપાવી હોવાથી મને મારી જાત અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગર્વ છે.’ સાથી કલાકારો અને પ્રશંસકોને તમે શું સંદેશ આપવાનું પસંદ કરશો તેવા પ્રશ્નના જવાબમાં કોમલ કહે છેઃ ‘તમારી જાતને પ્રેમ કરતાં શીખો અને પોતાની ખામીઓને સ્વીકારતા શીખો. સફળતાની પ્રક્રિયામાં નિષ્ફળતા પણ મળે છે. જો નિષ્ફળ ગયા પછી ફરીથી ઉભાં થતાં શીખશો તો નિષ્ફળતા જેવું કશું જ નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter