હિન્દી ફિલ્મઉદ્યોગના જાણીતા ડાન્સર, કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસોઝાને હાર્ટ એટેક આવતાં સારવાર માટે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. રેમો ડિસોઝાને હાલમાં એન્જિયોપ્લાસ્ટિ કરાઇ છે અને અત્યારે તેની તબિયત સ્થિર છે. જાણકારોનો મતે ગયા શુક્રવારે બપોરે રેમોને એટેક આવ્યો હતો. તેના હાર્ટમાં રહેલા બ્લોકેજ દૂર કરીને તેને આઈસીયુમાં શિફ્ટ કરી દેવાયો છે. તેના તબિયત અત્યારે સ્થિર છે અને તેને તબીબી નિરીક્ષણ હેઠળ રખાયો છે. ‘સૌરાષ્ટ્રના પેરિસ’ જામનગરનો વતની રેમો સેલિબ્રિટી કોરિયોગ્રાફર છે. ૧૯૯૫થી બોલિવૂડમાં સક્રિય રેમોએ કોરિયોગ્રાફર તરીકે ટોચના કલાકારો સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેણે ‘ફ્લાઈંગ જટ’, ‘રેસ-૩’, ‘ફાલતુ’, ‘એબીસીડી’, ‘એબીસીડી-૨’ અને ‘સ્ટ્રીટ ડાન્સર’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ઉપરાંત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ અને ‘ડાન્સ પ્લસ’ જેવા રિયાલિટી શો પણ જજ કર્યા છે.