કોરોના મહામારીમાં જરૂરિયાતમંદોને બોલિવૂડના સુપરહીરો દ્વારા મહાદાન

Monday 27th April 2020 08:43 EDT
 
 

• મહાનાયક અમિતાભ બચ્ચને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દૈનિક વેતનદારો માટે ૧૨૦૦૦ કોરોના રિલિફ કૂપનની સગવડ કરી છે જે મુજબ રૂ. ૧૫૦૦ની કૂપન કામદારોને અપાશે. આ કૂપન બિગ બજારમાં વટાવીને જરૂરી ચીજો મેળવી શકશે. દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા ચિંરજીવીએ આ અંગે ટ્વિટર પર વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. વિદ્યા બાલને રૂ. ૬૫૦ની એક એવી કુલ ૧૦૦૦ પીપીઈ કિટ ડોક્ટર્સ માટે આપી છે અને અન્ય ૧૦૦૦ કિટ માટે પૈસા ભેગા કરવા શપથ લીધી છે.
• સંજય દત્ત બોરીવલીથી બાંદરા સુધીના આશરે ૧૦૦૦ ભૂખ્યા પરિવારોને ભોજન પહોંચાડી રહ્યાનું એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે તો સલમાન ખાન પોતે કરેલું દાન મોટેભાગે જાહેર કરતો નથી. તેના ટ્રસ્ટ બિઈંગ હ્યુમન દ્વારા તે સદકાર્યો અને દાન કરતો રહે છે. જોકે કોરોના જેવા સંકટના સમયમાં તેના તરફથી દાનની કોઈ માહિતી ન હોવાથી સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરાયો હતો. એ પછી સલમાનના ખાસ મિત્ર નિખિલ અડવાણીએ ટ્વિટ કરી હતી કે, સલમાને ૨૫૦૦૦ જેટલા મજૂરોનાં બેંક એકાઉન્ટસની માહિતી માગી છે અને જ્યાં સુધી આ લોકો કમાણી કરતાં ન થઈ શકે ત્યાં સુધી સલમાને આ લોકોની જવાબદારી લીધી છે.
• ફિલ્મ સ્ટાર અક્ષયકુમારે રૂ. ૨૫ કરોડનું પીએમ કેર્સમાં દાન કર્યાં પછી રૂ. ૫ કરોડની વિવિધ પ્રકારની કિટનું દાન કર્યું છે. ફિલ્મસ્ટાર સોનુ સૂદે મુંબઇના જૂહુમાં આવેલી પોતાની માલિકીની આલિશાન હોટેલ કોરોના સંક્રમિતના બચાવમાં રાત-દિવસ કામ કરતા મેડિકલ સ્ટાફને સહાય માટે ખુલ્લી મૂકી દીધી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું છે કે, શાહરુખ ખાને સરકારની મદદ માટે ૨૫,૦૦૦ પીપીઇ કિટ આપી છે. આ સાથે શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનની માલિકીની ચાર મજલની ઓફિસ પણ નિઃસહાય વૃદ્ધો, બાળકો અને મહિલાઓના ક્વોરેન્ટાઇન માટે મહારાષ્ટ્ર સરકારને અપાઈ છે.
• કોમેડિયન કપિલ શર્માએ રૂ. ૫૦ લાખ અને હ્રિતિક રોશને રૂ. ૨૦ લાખની કિંમતના માસ્ક આપ્યા છે. ટેલિક્વિન એકતા કપૂરે જાહેરાત કરી છે કે તે પોતાના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સના સાથી વર્કર્સને મુશ્કેલી ન પડે તે માટે પોતાનો ૧ વર્ષનો ૨.૫ કરોડ રૂપિયાનો પગાર નહીં લે અને તેનો કામદારો માટે યોગ્ય ઉપયોગ કરશે. અલી ફઝલનો ઘરની બહાર રહેતાં જરૂરિયાતમંદોને ભોજન પાડતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અલી બેટમેનનો માસ્ક લગાવીને લોકોને ભોજન આપવા માટે જતો હોય છે.
• બોલિવૂડની સ્ટાર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે તેમણે પીએમ કેર્સ ફંડમાં તેમનાથી શક્ય તેટલું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પીએમ કેર્સ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં દાન આપ્યું છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પીએમ કેર્સ સહિત અલગ અલગ ૧૦ પ્રકારે દાન આપ્યાં છે. કરીના કપૂર અને સૈફ અલી ખાને પીએમ કેર્સ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ સહિત અલગ અલગ પાંચ પ્રકારે દાન આપ્યાં છે. આ સિવાય વિકી કૌશલ, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, નાના પાટેકર, શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર, રેપર બાદશાહ અને રણવીર શૌરી સહિત ઘણાં બી ટાઉન સેલિબ્રિટીએ આર્થિક સહાય જાહેર કરી છે.
• સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રભાસે કુલ રૂ. ૪ કરોડ, રજનીકાંતે રૂ. ૫૦ લાખ, પવન કલ્યાણે રૂ. ૨ કરોડ, રામ ચરણે રૂ. ૭૦ લાખ, ચિરંજીવીએ રૂ. ૧ કરોડ, મહેશ બાબુએ રૂ. ૧ કરોડ, અલુ અર્જુને રૂ. સવા કરોડનું દાન આપ્યાં છે તો કમલ હાસને પોતાના જૂના બંગલાને કોરોન્ટાઈન હોમમાં ફેરવીને લોકોની મદદ કરી રહ્યાં છે.
• ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પણ કોરોના સામેના જંગમાં કુલ રૂ. ૧ લાખ ૭૦ હજારનું યોગદાન આપ્યું છે. મલ્હાર ઠાકરે રૂ. ૧ લાખ પીએમ રિલીફ ફંડમાં, રૂ. ૨૦ હજાર મુંબઈ થિયેટર ઇન્ડસ્ટ્રીના ડેઇલી વેજર્સને, રૂ. ૨૦ હજાર ગુજરાત ઇન્ડસ્ટ્રીના અમદાવાદ ડેઈલી વેજર્સને, રૂ. ૨૫ હજારની સ્પોટ બોય્ઝને કિટ અને રૂ. ૫૦૦૦ રખડતા શ્વાનની સંભાળ માટે આપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter