કોરોના મહામારીમાં જરૂરિયાતમંદોને બોલિવૂડના સુપરહીરો દ્વારા મહાદાન

Saturday 04th April 2020 06:23 EDT
 

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી રહ્યાં છે. બી ટાઉન સેલેબ્સ દ્વારા દાનનો અને મદદનો ધોધ વહ્યો છે.

• સલમાન ખાન પોતે કરેલું દાન મોટેભાગે જાહેર કરતો નથી. તેના ટ્રસ્ટ બિઈંગ હ્યુમન દ્વારા તે સદકાર્યો અને દાન કરતો રહે છે. જોકે કોરોના જેવા સંકટના સમયમાં તેના તરફથી દાનની કોઈ માહિતી ન હોવાથી સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરાયો હતો. એ પછી સલમાનના ખાસ મિત્ર નિખિલ અડવાણીએ સ્પષ્ટતા કરી હતી કે સલમાને ૨૫૦૦૦ જેટલા મજૂરોનાં બેંક એકાઉન્ટસની માહિતી માગી છે અને જ્યાં સુધી આ લોકો કમાણી કરતાં ન થઈ શકે ત્યાં સુધી સલમાને આ લોકોની જવાબદારી લીધી છે. તેમને રોટી કપડાં મકાનની સવલત તે પૂરી પાડવા મથી રહ્યો છે.

• કોમેડિયન કપિલ શર્માએ રૂ. ૫૦ લાખ અને હ્રિતિક રોશને રૂ. ૨૦ લાખની કિંમતના માસ્ક આપ્યા અને અક્ષય કુમારે રૂ. ૨૫ કરોડનું દાન કર્યા પછી એકતા કપૂરે જાહેરાત કરી છે કે તે પોતાના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સના સાથી વર્કર્સને મુશ્કેલી ન પડે તે માટે પોતાનો ૧ વર્ષનો ૨.૫ કરોડ રૂપિયાનો પગાર નહીં લે અને તેનો કામદારો માટે યોગ્ય ઉપયોગ કરશે. અમિતાભ બચ્ચનથી લઈને આલિયા ભટ્ટ સતત લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યાં છે અને અલી ફઝલનો ઘરની બહાર રહેતાં જરૂરિયાતમંદોને ભોજન પાડતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અલી બેટમેનનો માસ્ક લગાવીને લોકોને ભોજન આપવા માટે જતો હોય છે. અલીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

• બોલિવૂડની સ્ટાર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે તેમણે પીએમ કેર્સ ફંડમાં તેમનાથી શક્ય તેટલું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પીએમ કેર્સ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં દાન આપ્યું છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પીએમ કેર્સ સહિત અલગ અલગ ૧૦ પ્રકારે દાન આપ્યાં છે. કરીના કપૂર અને સૈફ અલી ખાને પીએમ કેર્સ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ સહિત અલગ અલગ પાંચ પ્રકારે દાન આપ્યાં છે. આ સિવાય વિકી કૌશલ, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, નાના પાટેકર, શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર, રેપર બાદશાહ અને રણવીર શૌરી સહિત ઘણાં બી ટાઉન સેલિબ્રિટીએ આર્થિક સહાય જાહેર કરી છે.

• સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રભાસે કુલ રૂ. ૪ કરોડ, રજનીકાંતે રૂ. ૫૦ લાખ, પવન કલ્યાણે રૂ. ૨ કરોડ, રામ ચરણે રૂ. ૭૦ લાખ, ચિરંજીવીએ રૂ. ૧ કરોડ, મહેશ બાબુએ રૂ. ૧ કરોડ, અલુ અર્જુને રૂ. સવા કરોડનું દાન આપ્યાં છે તો કમલ હાસને પોતાના જૂના બંગલાને કોરોન્ટાઈન હોમમાં ફેરવી નાંખ્યો છે અને લોકોની મદદ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter