કૌભાંડી સાથે કનેક્શન: મની લોન્ડરિંગ કેસમાં જેક્વેલિન સહઆરોપી

Wednesday 24th August 2022 08:43 EDT
 
 

કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આખરે જેક્વેલિન ફર્નાન્ડિઝને સહઆરોપી બનાવાઇ છે. મહાઠગ સુકેશ ચંદ્રશેખરે છેતરપિંડી અને ખંડણી જેવા ગુના આચરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. અને આ નાણાંમાંથી સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ્સ જેક્વેલિનને આપી હોવાનું ઈડીની તપાસમાં ખુલ્યું હતું. આ કેસમાં જેક્વેલિનની અનેક વખત પૂછપરછ થઈ હતી. અને હવે તેને આ કેસમાં આરોપી બનાવાઇ છે.
દિલ્હીસ્થિત સ્પેશિયલ કોર્ટમાં ઈડીએ બીજી પુરવણી ચાર્જશીટ રજૂ કરી છે અને તેમાં જેક્વેલિનનું નામ છે. આ ચાર્જશીટ વધુ સુનાવણી 31 ઓગસ્ટે થશે. શ્રીલંકન મૂળની જેક્વેલિને 2009માં બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. અનેક ફિલ્મોમાં કામ કરનારી જેક્વેલિન સામે ઈડીની ટીમે એપ્રિલ મહિનામાં કાર્યવાહી હાથ ધરી હતી. રૂ. 7.27 કરોડનું ફંડ અને રૂ. 15 લાખની રોકડને ગુનાખોરીમાંથી થયેલી આવક ગણાવીને ઈડી દ્વારા તે નાણાં જપ્ત કરાયા છે. સુકેશે તેની સાથીદાર પિન્કી ઈરાની અને ડ્રાઈવર મારફતે જેક્વેલિનને ગિફ્ટ્સ મોકલાવી હતી. ગિફ્ટ્સ ઉપરાંત સુકેશે 1.73 લાખ યુએસ ડોલર અને 26740 ઓસ્ટ્રેલિયન ડોલર હવાલા મારફતે જેક્વેલિનના ફેમિલીને મોકલાવ્યા હતા.
સુકેશે વડા પ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને પાર્ટી ફંડના નામે રૂ. 200 કરોડની ખંડણી પડાવી હતી. સુકેશે અનેક મોટા ઉદ્યોગપતિઓને પણ છેતર્યા હોવાના મામલે ફરિયાદ નોંધાયા બાદ ઈડીની ટીમે ગયા વર્ષે ઓગસ્ટમાં તેની ધરપકડ કરી હતી. સુકેશની પૂછપરછમાં જેક્વેલિનનું નામ આવતાં ઈડીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેક્વેલિને તપાસ એજન્સી સમક્ષ સ્વીકાર્યું હતું કે, તેને ગુચીની ડિઝાઈનર બેગ, ગુચીના જીમવેર, ડાયમંડ જ્વેલરી, મિની કૂપર કાર જેવી અનેક ગિફ્ટ્સ સુકેશ ચંદ્રશેખરે આપી હતી. દિલ્હી કોર્ટમાં આ મામલે અગાઉ બે ચાર્જશીટ થયેલી છે, જેમાં આરોપી તરીકે સુકેશ ઉપરાંત તેની પત્ની લીના મારિયા પૌલ અને પિન્કી ઈરાની છે. હવે પુરવણી ચાર્જશીટમાં જેક્વેલિનનું નામ ઉમેરાયું છે.
આગામી ફિલ્મો પર સંકટ​​​​​​​
શ્રીલંકન મૂળની જેક્વેલિન ફર્નાન્ડિઝે સ્ટ્રગલર તરીકે મુંબઈમાં પ્રવેશ કર્યો હતો અને બહુ ઝડપથી સફળતાની સીડીઓ ચડી હતી. 2009માં તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તાજેતરમાં તેની બે ફિલ્મો રીલિઝ થઈ હતી, જેમાં બચ્ચન પાંડે અને વિક્રમ રોણાનો સમાવેશ થાય છે. આગામી સમયમાં અક્ષયકુમાર સાથેની તેની ફિલ્મ રામસેતુ રીલિઝ થવાની છે. આમ, પણ અક્ષય કુમારની ત્રણ ફિલ્મો – બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ અને રક્ષાબંધન ફ્લોપ થઈ છે. તેની ચોથી ફિલ્મ રામસેતુમાં જેક્વેલિનનો લીડ રોલ છે. બોયકોટ ટ્રેન્ડ સામે ઝઝૂમી રહેલા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મનું સંકટ જેક્વેલિનના કારણે વધી શકે છે. સલમાન ખાન સાથેની ફિલ્મ ડાન્સિંગ ડેડ તથા રવિકાંત સિંગ સાથેની ફિલ્મ હમારી શાદીમાં પણ જેક્વેલિન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter