ક્યુટ કપલ બન્યું સાત જનમનું સંગાથી

Saturday 16th April 2022 07:45 EDT
 
 

બોલીવૂડના સૌથી ક્યુટ કપલ તરીકે જાણીતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સપ્તપદીના ફેરા ફરીને પતિ-પત્ની બની ગયાં છે. મુંબઇમાં વાસ્તુ એપાર્ટમેન્ટ સંકુલમાં 14 એપ્રિલે કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો તથા કેટલાક નજીકનાં મિત્રોની હાજરીમાં બંને વિધિસર ફેરા ફરી, એકમેકને સપ્તપદીના કોલ આપી કાયમ માટે એકમેકનાં બની ગયાં હતાં. રણબીર અને આલિયાનો રોમાન્સ ચાર વર્ષ પહેલાં બ્રહ્મા ફિલ્મના સેટ પર શરૂ થયો હતો. તે પછી વખતોવખત બંનેના લગ્નની વાતો ચર્ચાતી રહી હતી. રણબીરના દિવંગત પિતા રિશી કપૂર અને માતા નીતુએ બહુ પહેલેથી જ રણબીરની પસંદગી આલિયા પર મંજૂરીની મહોર મારી દીધી હતી. જોકે આજનો દિવસ જોવા માટે રિશી કપૂર સદેહે ઉપસ્થિત ન હતા. અલબત્ત, સમગ્ર કપૂર પરિવારના સભ્યોએ આ પ્રસંગે હાજરી આપીને નીતુ અને રિદ્ધિમાને રિશીની ખોટ સાલવા દીધી ન હતી.
લગ્ન નીમિત્તે રણબીર તથા આલિયા ભટ્ટને અનેક ભેટસોગાદ મળી છે. જોકે રણબીર દુલ્હનને શું ભેટ આપવાનો છે તે જાણવા માટે તેમના ચાહકો ઉત્સુક હતા. કેટલાક અહેવાલો મુજબ રણબીરે લંડનની એક પ્રખ્યાત જ્વેલરી બ્રાંડ પાસે ખાસ વેડિંગ બેન્ડ તૈયાર કરાવી છે. તેના પર આઠ ડાયમંડ જડેલા છે. કપલ આ વેડિંગ બેન્ડ ક્યારે ફ્લોન્ટ કરે છે તેની ચાહકોએ રાહ જોઇ હતી.
કુટુંબીજનો અને મિત્રોનો જમાવડો
રણબીર કપૂર અને આલિયાના લગ્ન સમારંભમાં કપૂર કુટુંબ અને કૌટુંબિક મિત્રોનો જમાવડો થયો હતો. આ લગ્નમાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર લંડનથી આવી હતી. પરિવારના સૌથી જયેષ્ઠ સભ્ય તરીકે રણધીર કપૂર અને બબીતા, શમ્મી કપૂરનાં પત્ની નીલા દેવી, રીમા જૈન, આદર જૈન, રીતુ નંદા, નવ્યા નવેલી સૌએ રંગેચંગે હાજરી આપી હતી. કરિશ્મા અને કરિના કપૂરનો તો આનંદ માતો નહોતો. કરિના સાથે સૈફ અલી ખાન પણ આવ્યો હતો. કરિના તેના નાના પુત્ર જેહ સાથે પણ મસ્તી કરતી જોવા મળતી હતી તો સૈફ અને કરિના ગંભીર ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા. રણબીરના બંને ભાણેજ તૈમુર અને જેહ પણ ખાસ રજવાડી પોશાકમાં મામાના લગ્ન માણવા પહોંચ્યા હતા.
ભટ્ટ પરિવારમાંથી મહેશ ભટ્ટ, સોની રાઝદાન, બન્ને બહેનો શાહીન ભટ્ટ - પૂજા ભટ્ટ તથા ભાઇ રાહુલ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત બોલીવૂડમાં આલિયાને પુત્રી તરીકે માનતા બિગ ડેડી કરણ જોહર ઉપરાંત અયાન મુખરજી, લવ રંજન વગેરે પણ ઉપસ્થિત હતા. તેની સાથે જાણીતા ડિઝાઈનર મલ્હોત્રા પણ હતા. આ ઉપરાંત અન્ય સેલિબ્રિટીઓ અને પારિવારિક મિત્રોમાં અમિતાભ બચ્ચન, અંબાણી પરિવારમાંથી શ્લોકા અને આકાશ અંબાણી તથા અન્ય મહાનુભવો આ પળનાં સાક્ષી બન્યાં હતાં. રણબીર કપૂરના દાદી નીલા શમ્મી કપૂરની ઉપસ્થિતિએ સહુનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયા અને રણબીરે દરેકનું અભિવાદન કર્યું હતું. જોકે, આ સમારંભ સામાન્ય રીતે કપૂર કુટુંબની જાહોજલાલી મુજબ નહીં પણ પ્રમાણમાં સાદગીપૂર્વક ઉજવાયો હતો. નીતુ કપૂરને આ પ્રસંગે રિશી કપૂરની ખૂબ જ યાદ આવી હતી. રિશી કપૂરની ઈચ્છા હતી કે તે તેના પુત્રના લગ્ન જુએ, પણ તે ફળીભૂત ના થઈ.
જોકે ભટ્ટ પરિવારમાં તડાં દેખાયાં
રણબીર અને આલિયાના લગ્નમાં સમગ્ર કપૂર ખાનદાન હાજર રહ્યું હતું. રણધીર અને તેમના સંતાનો, શમ્મી કપૂરનો પરિવાર અને રણબીરના ફઇ રીમા તેમજ તેમનો સમગ્ર પરિવાર હાજર રહ્યાં હતાં. જોકે, બીજી તરફ ભટ્ટ પરિવારના કેટલાય સભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. મહેશ ભટ્ટના ભાઈઓ રોબિન ભટ્ટ તથા મુકેશ ભટ્ટ લગ્ન પ્રસંગે હાજર રહ્યા ન હતા.
બારાત છેલ્લી ઘડીએ રદ
13 એપ્રિલે પૂજા અને મહેંદી રસમ સમાપ્ત થયા બાદ નીતુ કપૂરે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ગુરુવારે બપોરે રણબીર અને આલિયા લગ્નબંધને બંધાઈ જશે. સવારે હલ્દી વિધિ થઇ છે. અગાઉ, ક્રિષ્ણા કોટેજીસથી વાસ્તુ એપાર્ટમેન્ટ સુધી બારાત કાઢવાનું આયોજન હતું, પરંતુ સિક્યોરિટીનાં કારણોસર તે રદ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે નીતુ કપૂરની જાહેરાત સુધી રણબીર-આલિયાની લગ્નતારીખ અંગે અટકળો થતી રહી હતી. રણબીર કપૂર ક્રિષ્ણા કોટેજથી વાસ્તુ સુધી બારાત લઇને જશે એવું આયોજન અગાઉ વિચારાયું હતું. બારાતમાં રિદ્ધિમા, કરીના, કરિશ્મા ઉપરાંત શ્વેતા નંદા, અયાન મુખર્જી સહિતની બોલિવુડ સેલિબ્રિટીઓ અને પરિવારના સભ્યો સાજનમાજન તરીકે મ્હાલવાના હતા. પરંતુ, આ લગ્ને સોશિયલ મીડિયામાં ભારે ક્રેઝ ઊભો કર્યો હોવાથી લગ્નસ્થળ બહાર ફોટોગ્રાફર્સ અને અન્ય ચાહકોનાં મોટાં ટોળાં જોવા મળી રહ્યાં હતાં. આ ઉપરાંત એક-એક વાહનને અંદર જવા દેવામાં સિક્યોરિટી જવાનોને ભારે મહેનત કરવી પડી રહી હતી. આ તમામ ઘટનાક્રમ જોતાં છેલ્લી ઘડીએ બારાત કાઢવાનું માંડી વાળવામાં આવ્યું હતું.
લગ્નપ્રસંગે રણબીરની ફેવરીટ સુશી ડીશનું તેમજ આલિયાને ભાવતાં બર્ગરનું અલગ કાઉન્ટર હતું. આ ઉપરાંત ચટાકેદાર પંજાબી અને અન્ય ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી. આગામી દિવસોમાં મોટાભાગે કોલોબાની ફાઇવ સ્ટાર હોટેલ ખાતે રિસેપ્શન યોજાય તેવી શક્યતા છે, જેમાં બોલીવૂડ તથા અન્ય ક્ષેત્રોની સેલિબ્રિટી હાજરી આપશે.

આલિયાનું ગુજરાત કનેક્શન

કોઇ તમને કહે કે આલિયા મૂળે ગુજરાતી છે તો આશ્ચર્ય નહીં પામતા. આલિયા અડધી કાઠિયાવાડી છે તે હકીકત છે. વાત એમ છે આલિયાના પિતા મહેશ ભટ્ટનું વતન સૌરાષ્ટ્ર છે, જ્યારે તેના માતા સોની રાઝદાન કાશ્મીરી પંડિત પરિવારનાં છે. આલિયાના દાદાજી એટલે કે મહેશ ભટ્ટના પિતાજી નાનાભાઇ ભટ્ટ વર્ષોપૂર્વે સૌરાષ્ટ્ર છોડીને મુંબઇ જઇ વસ્યા હતા. જ્યાં તેમણે શિરીન મોહમ્મદ અલી સાથે લગ્ન કરીને ઘરસંસાર માંડ્યો હતો. મુંબઇના ફિલ્મઉદ્યોગમાં તેમણે દિગ્દર્શક તરીકે નામના મેળવી હતી અને 1942થી 1982 એમ ચાર દસકા સુધી સક્રિય હતા. સમયાંતરે તેમના ત્રણેય દીકરા મહેશ, મુકેશ અને રોબિન ભટ્ટ પણ તેમના પગલે ચાલ્યા અને ફિલ્મઉદ્યોગમાં નામ-દામ કમાયા. મહેશ ભટ્ટે પ્રથમ લગ્ન કિરણ ભટ્ટ સાથે કર્યા હતા. બાદમાં તેમની સાથે છૂટાછેડા લઇને સોની રાઝદાન સાથે લગ્ન કર્યા.

આલિયા અને રણબીરના લગ્નની વાત કરીએ તો, નવદંપતીએ માત્ર ચાર ફેરા ફર્યું હતું. જુદાં જુદાં રાજ્યોમાં ફેરા અને સપ્તપદીના વચન અંગે જુદી જુદી પ્રથા પ્રવર્તે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના જીવનધ્યેયો સાધવામાં પતિ અને પત્ની સાયુજ્ય સાધશે એવો ભાવ આ ફેરાઓમાં હોય છે. જોકે, કેટલાક સ્થળોએ સાત ફેરાની માન્યતા પણ રૂઢ થઈ ગઈ છે. મહેશ ભટ્ટનો પરિવાર મૂળ ગુજરાતી છે અને ગુજરાતીઓમાં લગ્નવેળા મોટાભાગે ચાર જ ફેરા લેવાતા હોય છે. આમ, આલિયા અને રણબીરના ચાર ફેરા પાછળનું આ પણ એક કારણ હોઈ શકે એમ માનવામાં આવે છે.

આલિયાએ એક લગ્નવચન ટાળ્યું!

રણબીર-આલિયાએ પ્રભુતામાં પગલાં પાડ્યાં તે પ્રસંગની એક રસપ્રદ વાત બહાર આવી છે. સપ્તપદીના ફેરા લેતી વેળાં આલિયાએ એક લગ્નવચન આપવાનું ટાળ્યું હતું. આલિયાને તેના પિતા મહેશ ભટ્ટે એવું વચન આપતાં અટકાવી હતી કે તે જિંદગીમાં કોઈ પણ કામ પતિ રણબીરને પૂછીને જ કરશે. લગ્નમાં પરંપરાગત એક વચન દરેક કાર્યમાં પતિને પૂછીને જ આગળ વધવાનું હતું. પંડિતે આ વચન લેવાનું આલિયાને કહ્યું ત્યારે મહેશ ભટ્ટે પુત્રીને કહ્યું હતું કે આ વચન સમજીવિચારીને લેજે. આવી કોઈ જરૂર નથી. મેં પણ મારી પત્ની પાસેથી આવું કોઈ વચન લીધું નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નિર્ણય લેવામાં સ્વતંત્ર હોવી જોઈએ તેવું હું માનું છું. મેં મારી પુત્રીને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે ઉછેરી છે. આખરે આલિયાએ આ લગ્નવચન લેવાનું માંડી વાળ્યું હતું.

દાદી અમ્માના આશીર્વાદ

લગ્નપ્રસંગે સમગ્ર ખાનદાન હાજર હતું, તેમાં કદાચ સૌથી વયોવૃદ્ધ વડીલ તરીકે સ્વ. શમ્મી કપૂરના પત્ની નીલા દેવીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નીલા દેવીએ ભત્રીજાવહુ નીતુ કપૂરની પુત્રવધૂ આલિયાને લગ્નપ્રસંગે આશીર્વાદ આપ્યા હતા. નીલા દેવી રણબીર, કરિશ્મા, કરિના સૌનાં વ્હાલાં દાદી અમ્મા છે. સૌ પરિવારજનો તેમની સાથે બહુ આત્મીયતા અનુભવે છે. કેટલાક મહિનાઓ પહેલાં નીલા દેવીએ જન્મદિન નિમિત્તે કેક કાપી હતી ત્યારે રણધીર કપૂર, નીતુ કપૂર અને કપૂર ખાનદાનના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
આલિયાના નાના વ્હીલચેરમાં હાજર
આલિયાના નાના એન. રાઝદાન દોહિત્રીના લગ્ન માટે વ્હીલચેરમાં બેસી હાજર રહ્યા હતા. આલિયાને ફેરા ફરતી જોઇને તેઓ ભાવુક બન્યા હતા. ઉલ્લેખનીય છે કે તેમની નાદુરસ્ત તબિયતને કારણે જ આલિયાનાં લગ્ન ટૂંકી નોટિસે આટોપી લેવાયાં હોવાનું કહેવાય છે.
શુભેચ્છા સાથે ‘બ્રહ્માસ્ત્ર’નું પ્રમોશન
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રણબીર-આલિયાને શુભેચ્છા આપવા સાથે તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું પ્રમોશન પણ કર્યું હતું. ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા અને રણબીર સાથે અમિતાભ બચ્ચને પણ કામ કર્યું છે. અમિતાભે કપલને શુભેચ્છા આપવા સોશિયલ મીડિયા પર ફિલ્મનાં ‘કેસરિયા...’ સોંગનું ટીઝર શેર કર્યું હતું. આ ગીતમાં આલિયા અને રણબીરની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ગીતના ટીઝર સાથે અમિતાભે લખ્યું છેઃ અમારા ઇશા અને શિવા જલદી જ એક સ્પેશ્યલ જર્નીની શરૂઆત કરવામાં છે. બન્નેને ખૂબ ખૂબ પ્રેમ, લક અને લાઇટ. ટીમ ‘બ્રહ્માસ્ત્ર’ તરફથી મળેલી આ વિશેષ ભેટ સાથે ચાલો શરૂ કરીએ સેલિબ્રેશન્સ...
કરણ જોહરની આંખો ભીંજાઈ
લગ્નમંડપમાં રણબીર-આલિયાને જોઈને કરણ જોહર અને અયાન મુખર્જી ભાવુક થઈ ગયા હતા. તેમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. કરણ જોહર આલિયાને પોતાની પુત્રીસમાન માને છે. જ્યારે અયાન મુખર્જી અને રણબીર ગાઢ મિત્રો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter