ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસના મૌન વિશે એક્સ એડલ્ટ સ્ટાર મિયા ખલિફાએ નારાજગી વ્યક્ત કરી છે. તેણે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રિયંકાને ટોણો મારતા લખ્યું છે કે, શું મિસિસ જોનસ કંઈ બોલવાની છે? હું ઉત્સુક છું. આ મને એવું જ લાગી રહ્યું છે, જેવું બેરૂત વિનાશ દરમ્યાન શકીરાને જોઈને લાગી રહ્યું હતું. મૌન.
બેરૂત વિનાશ દરમ્યાન શકીરાએ શું કર્યું હતું?
ઓગસ્ટ ૨૦૨૦માં લેબનોનની રાજધાની બેરૂતના પોર્ટ પર મોટો વિસ્ફોટ થયો હતો જેમાં ૧૮૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૬૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. એ સમયે ગાયિકા શકીરાએ લેબનોન આધારિત ફેશન ડિઝાઈનર જુહૈર મુરાદ સાથે મળીને વિસ્ફોટ પીડિત લોકો માટે ફંડ એકઠું કરવાની જાહેરાત કરી હતી. મિયા ખલિફાએ તે સમયે શકીરાનું સૌથી ઓછું યોગદાન ગણાવ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, શકીરાએ વધારે મદદ કરવી જોઈએ કારણકે તેના પૂર્વજો લેબનોનના જ હતા.
બે મહિના પહેલાં પ્રિયંકાનો સપોર્ટ
બે મહિના પહેલાં પ્રિયંકા ચોપરાએ ખેડૂતોના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું હતું કે, આપણા ખેડૂત ભારતના ભોજન સૈનિક છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની આશાઓ પર ખરા ઉતરવાની જરૂર છે. અખંડ લોકતંત્ર હોવાને કારણે જરૂરી છે કે આપણે બને એટલા ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવીએ. પ્રિયંકાએ ગાયક – અભિનેતા દિલજિત દોસાંજની એક પોસ્ટને રી-પોસ્ટ કરતા ઉપરોક્ત લખ્યું હતું.
એ પછી અભિનેત્રી કંગના રણૌતે દિલજિત અને પ્રિયંકાને ખરું-ખોટું સંભળાવતાં વડા પ્રધાન મોદીની એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ ખેડૂતોને સંદેશો આપી રહ્યા હતા. કેપ્શનમાં કંગનાએ લખ્યું હતું કે, પ્રિય દિલજિત, પ્રિયંકા, જો ખરેખર ખેડૂતોની ચિંતા છે, જો ખરેખર પોતાની માતાઓનું આદર સન્માન કરવા ઈચ્છો છો તો સાંભળી લો આખરે ફાર્મર્સ બિલ છે શું? કે પછી માત્ર પોતાની માતાઓ, બહેનો અને ખેડૂતોનો ઉપયોગ કરીને દેશદ્રોહીઓના ગુડ બુક્સમાં આવવા ઈચ્છો છો? વાહ રે દુનિયા વાહ.