અભિનેત્રી જ્હાનવી કપૂરની આગામી ફિલ્મ ‘ગુડલક જેરી’નું શૂટિંગ હાલમાં પંજાબના પટિયાલામાં ચાલતું હતું. શનિવારે, ૨૩મી જાન્યુઆરીએ ખેડૂતોએ ફરી એક વાર શૂટિંગ અટકાવીને કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં ફિલ્મી હસ્તીઓએ પણ સાથ આપવો જોઈએ. પટિયાલામાં ખેડૂત કાયદાનો વિરોધ કરતાં કેટલાક ખેડૂતો સેટ પર આવીને દેખાવો કરવા લાગ્યા હતા. ચર્ચા છે કે, ખેડૂતોએ શહેરમાં ચાલતા શૂટિંગનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ફિલ્મનાં કાસ્ટ - ક્રૂ જે હોટલમાં હતાં ત્યાં પણ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોની માગ હતી કે, ફિલ્મના કલાકારો ખેડૂત આંદોલનનું સમર્થન કરે.
કોઈ પણ એક્ટરનો વિરોધ નહીં
અહેવાલ પ્રમાણે, ખેડૂતો ફિલ્મના કલાકારોના વિરોધમાં નથી. તેઓ ઈચ્છે છે કે ફિલ્મનું યુનિટ ખેડૂત આંદોલનને સમર્થન કરે. તેમણે માગ કરી છે કે બોલિવૂડ એક્ટર્સે પણ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ.
આ પહેલાં ૧૦મી જાન્યુઆરીએ પંજાબના પઠાનામાં પણ ખેડૂતોએ ‘ગુડલક જેરી’નું શૂટિંગ અટકાવી દીધું હતું. તે સમયે જ્હાનવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને ખેડૂતોનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ શૂટિંગ ફરી પાછું ચાલુ થઈ શક્યું નહોતું.