સૌરવ ગાંગુલીએ આખરે તેની બાયોપિક માટે હા પાડી છે. ઇન્ડિયાના આ ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટનની બાયોપિકને અંદાજે ૨૦૦થી ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ગાંગુલીએ કહ્યું હતું કે, ‘હા, હું બાયોપિક માટે સંમત થયો છું. એ હિન્દીમાં બનશે, પરંતુ અત્યારે એના ડિરેક્ટરનું નામ કહેવું શક્ય નથી. બધું એરેન્જ કરતાં હજી થોડાક દિવસો લાગી શકે છે.’ અહેવાલ અનુસાર, અત્યારે સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. પ્રોડક્શન હાઉસે સૌરવ ગાંગુલીની સાથે અનેક મીટિંગ્ઝ કરી હતી, પરંતુ સવાલ એ છે કે, ગાંગુલીનો રોલ કોણ પ્લે કરશે? એક્ટર લગભગ ફાઇનલ છે. દાદાનો રોલ પ્લે કરવા માટે રણબીર કપૂર હોટ ચોઇસ છે.
ગાંગુલીએ પોતે રણબીરના નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ આ લિસ્ટમાં અન્ય બે એક્ટર્સ પણ સામેલ છે. બીસીસીઆઈના પ્રેસિડન્ટ બનવા સુધીની સૌરવ ગાંગુલીની સમગ્ર જર્નીને આ બાયોપિકમાં રજૂ કરાશે. અલબત્ત, આ મૂવી ક્યારે રિલીઝ કરાશે એ બાબતે હજી કોઈ સ્પષ્ટતા નથી. આ પહેલાં એમ. એસ. ધોનીની બાયોપિક સુપરહિટ રહી હતી. ભૂતપૂર્વ ઇન્ડિયન કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની પણ બાયોપિક બની હતી જ્યારે સચિન તેંડુલકરની લાઇફ પર એક ડોક્યુમેન્ટરી મૂવી બની હતી. અત્યારે ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત પર આધારિત એક ફિલ્મ બની રહી છે. જેમાં રણવીર સિંહ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવના રોલમાં છે. બીજી તરફ મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી જેવી ઇન્ડિયન વિમેન ક્રિકેટર્સની બાયોપિક્સ પણ તૈયાર થઇ રહી છે.