ભારતીય ફિલ્મઉદ્યોગમાં આગવી નામના ધરાવતો ફિલ્મફેર એવોર્ડસ સમારોહ ફરી એક વખત ગુજરાતના આંગણે યોજાશે. ગાંધીનગરમાં 28 ઓગસ્ટે યોજાયેલા એક કાર્યક્રમમાં ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને વર્લ્ડવાઈડ મીડિયા પ્રા.લિ. વચ્ચે આ અંગેના એક સમજૂતી કરાર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરાયા હતા. આ કરાર પર રાજ્ય સરકાર વતી ટુરિઝમ કોર્પોરેશનના મેને. ડાયરેક્ટર તથા ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી અને વર્લ્ડ વાઈડ મીડિયાના રોહિત ગોપાકુમારે હસ્તાક્ષર કર્યા હતા.
ગુજરાતમાં સતત બીજી વાર ફિલ્મફેર એવોર્ડ્સ યોજાઇ રહ્યો છે ત્યારે સમજૂતી કરાર પર સાઈનીંગ કરવાના અવસરે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, મુખ્યમંત્રીના અપિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી, તેમજ ટાઈમ્સ ગ્રૂપના મેને. ડાયરેક્ટર વીનિત જૈન, ડાયરેક્ટર ગોપાકુમાર, ફિલ્મમેકર કરણ જોહર તથા અભિનેતા વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા. ડિરેક્ટર કરણ જોહરે કહ્યું હતું કે, આપણી ફિલ્મો નોમિનેટ થાય છે અને જીતીએ છીએ, ત્યારે તે આપણાં સૌ માટે એક ઐતિહાસિક પળ હોય છે. આમ, ફિલ્મફેર એવોર્ડ્સ આપણા બધા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ગત વર્ષે મને ગુજરાતમાં 69મા ફિલ્મફેર એવોર્ડ્સનું સંચાલન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તે માટે અને આ વર્ષે ફરીથી 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવા માટે હું ગુજરાત સરકારનો ખૂબ આભારી છું. અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું હતું કે, ‘લેન્ડ ઓફ કલ્ચર’ તરીકે ઓળખાતાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને નવસારીમાં મારા મિત્રો હોવાને પરિણામે મને આ રાજય પ્રત્યે વિશેષ લાગણી છે. મારી કારકિર્દીનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ પણ મને ગુજરાતની ધરતી ઉપર ગત વર્ષે ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં મળ્યો હતો.