ગાયક ઝુબિન ગર્ગની હત્યા પૂર્વઆયોજિતઃ ડ્રિકમાં ઝેર, જોખમી સ્થળે તરવા લઈ ગયા

Wednesday 17th December 2025 04:18 EST
 
 

જાણીતા ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુની તપાસ કરતી એસઆઈટીએ આશરે 3500 પાનાની ચાર્જશીટ દાખલ કરીને ચાર લોકો પર હત્યાનો આરોપ મૂક્યો છે. તપાસ સમિતિના તારણ મુજબ, હત્યા પૂર્વયોજિત હતી.
આરોપીઓમાં શ્યામકાનુ મહંત અને સિદ્ધાર્થ શર્માનો સમાવેશ થાય છે. અન્ય આરોપીઓ શેખર જ્યોતિ ગોસ્વામી અને અમૃતપ્રભા મહંત છે. શ્યામકાનુ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના મુખ્ય આયોજક હતા, જેમાં ઝુબિન સિંગાપોરમાં ભાગ લીધો હતો. 19 સપ્ટેમ્બરના રોજ દરિયામાં તરતી વખતે ઝુબિનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. ઝુબિનના પિતરાઇ ભાઈ અને સસ્પેન્ડેડ આસામ પોલીસ અધિકારી સંદીપન ગર્ગ પર ગેરકાનૂની હત્યાનો આરોપ છે. સિદ્ધાર્થ ઝુબિનના સેક્રેટરી હતા, જ્યારે શેખર જ્યોતિ અને અમૃતપ્રભા મહંત બેન્ડના સભ્યો હતા. બે પીએસઓ, નંદેશ્વર અને પ્રબીન પર ઉચાપત અને વિશ્વાસઘાતનો આરોપ છે. આસામ સરકારે ઝુબિનના મૃત્યુની તપાસ માટે ડીજીપી એમ.પી. ગુપ્તાના નેતૃત્વમાં એક એસઆઈટીની રચના કરી છે.
તપાસ સમિતિના તારણ મુજબ, ઝુબિનને જાણીજોઈને ઓછા લાઇફગાર્ડ્સ સાથે ખતરનાક સ્થળે તરવા માટે લઈ જવામાં આવ્યો હતો. સ્વિમિંગ યોજના એક કાવતરાનો ભાગ હતી. આરોપીઓમાંથી એકે પીણામાં ઝેર ભેળવ્યું, જ્યારે બીજાએ મદદ કરી. બેન્ડ સભ્ય શેખર જ્યોતિ ગોસ્વામીના નિવેદનમાં ખુલાસો થયો કે પીણામાં ઝેર ભેળવવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter