ગાયક અને અભિનેતા દિલજિત દોસાંજ ખેડૂત આંદોલનના સહકારમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો રહે છે. આ પોસ્ટ પર ઘણા લોકો તેના તરફી હોય છે તો ઘણા તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. દિલજિતના ભારતીય નાગરિકત્વ પર પ્રહાર થતાં સોમવારે દિલજિતે સોશિયલ મીડિયા પર ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા ‘પ્લેટિનયમ સર્ટિફિકેટ’નો ફોટો શેર કર્યો હતો. તે પ્રમાણિત કરતો હતો કે દિલજિતે વર્ષ ૨૦૧૯-૧૯૨૦ માટે ટેક્સ ભર્યો છે અને આઈટી રિટર્ન ફાઈલ કર્યું છે. આ સર્ટિફિકેટ પર લખ્યું છે કે, અમે પ્લેટિનયમ કેટેગરીના ટેક્સપેયરનો આદર કરીએ છીએ જે આ મહાન રાષ્ટ્રના નિર્માણ માટે પોતાનું યોગદાન આપે છે.
દિલજિતે સર્ટિફિકેટ શેર કરીને લખ્યું હતું કે, હું સર્ટિફિકેટ શેર કરવા ઈચ્છતો નહોતો, પણ મારું ભારતીય નાગરિકત્વ સાબિત કરવા પુરાવો આપવો પડ્યો છે. આ સાથે તેણે કહ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે નફરત ન ફેલાવે. ટ્વિટર પર ખુદને દેશભક્ત સાબિત કરવાથી તમે દેશભક્ત નથી બની જતા. તેના માટે કામ કરવું પડે છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના સમર્થન માટે દિલજિત સિંધુ બોર્ડરે પણ પહોંચ્યો હતો. તે ડિસેમ્બરમાં ખેડૂત મુદ્દે કંગના રનૌત સાથેના વિવાદને લઈને ચર્ચામાં હતો.