દેશ-વિદેશમાં ગુજરાતી અસ્મિતા, સંસ્કૃતિની મહેક ફેલાવતાં ગુજરાતી નાટ્ય રંગભૂમિ અને ફિલ્મ કલાજગતનાં લેડી અમિતાભ બચ્ચન એટલે પ્રતિમા ટી. ટી એટલે કે ત્રિવેદી. મૂળ જામનગરના બ્રાહ્મણ પરિવારનાં દીકરી પ્રતિમા ટી.નું બાળપણ મુંબઈમાં વીત્યું અને અહીંથી જ વર્ષ 1973થી માત્ર 13 વર્ષની ઉંમરથી તેમણે પોતાની પ્રતિભાથી સૌકોઈને પરિચિત કરાવી દીધા હતા. આ પ્રતિભાના ધની પ્રતિમા ટી. હાલમાં પોતાની 50 વર્ષની સફર ખેડી ચૂક્યાં છે અને ગુજરાતી નાટકો, હિન્દી-ગુજરાતી ફિલ્મો અને સિરિયલમાં પોતાની કલાનાં કસબ દર્શાવી રહ્યાં છે. ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતના અંશોઃ
લાંબી સફરને સથવારે
50 વર્ષ પહેલાં મુંબઈમાં રંગભૂમિથી શરૂઆત કરતાં તેમણે પ્રથમ નાટક ‘પારકાં બૈરાં સૌને ગમે’ કર્યું હતું, જેના અત્યાર સુધીમાં 3500થી વધુ શો થઈ ચૂક્યા છે. અહીંથી શરૂ કરીને પ્રતિમાબહેને કુલ 85 નાટક કર્યાં છે, જેના પણ અંદાજિત 500થી 600 શો તેમણે કર્યા છે. ભારતથી શરૂ કરેલાં નાટકો તેમને અનેક દેશોમાં પણ લઈ ગયાં, આમ ભારત અને 96 વિદેશ પ્રવાસ દરમિયાન તેમણે 50થી 60 હજાર જેટલા શો કર્યા છે. પરદેશની ધરા યુકેમાં તેમણે વર્ષ 1978માં તેમનું પ્રથમ નાટક ‘પારકાં બૈરાં સૌને ગમે’ ભજવ્યું હતું.
બાળપણથી જ રંગભૂમિ સાથે નાતો
પ્રતિમા ટી.એ જણાવ્યું કે, હું મારા શાળાના સમયથી 13 વર્ષની ઉંમરથી જ રંગદેવતાના ખોળે રમી રહી છું. મને યાદ છે, વર્ષ 1975માં ‘જય સંતોષી મા’ ફિલ્મ આવી હતી, જે શાળાઓમાં નાટ્યરૂપે ભજવાઇ હતી. શાળામાં ભજવાતા આ નાટકમાં મેં ભાગ લીધો હતો, જ્યારે મારા ગુરુ બીમલભાઈ માંગલિયા ત્યાં ડિરેક્ટર તરીકે આવ્યા હતા. આ સમયે ગુરુજીએ મારી પ્રતિભાને ઓળખી કહ્યું, ‘તું કેમ ગુજરાતી નાટકોમાં કામ નથી કરતી? તારે કામ કરવું જોઈએ અને તું કરી શકો એમ છો.’ આમ ગુરુ બીમલભાઈના પ્રોત્સાહનથી મેં રંગભૂમિમાં પા-પા-પગલી ભરી.
‘બા અમારાં બાઝીગર’ થોડું અલગ
પ્રતિમા ટી. કહે છે, ‘મારી ઇચ્છા હતી કે, હું આ ‘બા અમારાં બાઝીગર’ નાટક સૌપ્રથમ વિદેશની ધરતીથી જ રંગભૂમિ પર ભજવું. આ જ કારણે મેં આ નાટકની શરૂઆત ઇસ્ટ આફ્રિકા એટલે કે કેન્યાથી કરી. ત્યાં રંગભૂમિ પર આ નાટક ભજવી હાલમાં હું યુકે આવી છું, જે બાદ હું નાટકને લઈને યુએસ અને કેનેડા લઈને જઈશ. આ તમામ જગ્યાએ નાટક ભજવી દિવાળી બાદ હું આ નાટકને ભારતીય શ્રોતાઓ માટે ભજવીશ.’
કપરી સ્થિતિનો પણ સામનો કર્યો
યુકેમાં પોટર્સબાર થિયેટરમાં એક નાટક ભજવતાં મારે ‘આવી... આવી...’ની બૂમ સાથે ઓડિયન્સમાંથી એન્ટ્રી લેવાની હતી. તે સમયે કોઈ મેપલ કે માઇક હતાં નહીં. એન્ટ્રી લેતાં મેં એટલા જોશ સાથે બૂમ મારી કે મારો અવાજ જતો રહ્યો. આ કપરી પરિસ્થિતિમાં પણ હું સ્ટેજ પર ગઈ અને એકપણ શબ્દ બોલ્યા વિના મેં ત્રણ કલાકનું સંપૂર્ણ નાટક ભજવ્યું. મેં માત્ર મારા શારીરિક ભાવ દર્શાવી લોકોનું મનોરંજન કરાવ્યું હતું. આ શો ખૂબ જ સરસ રહ્યો હતો.
મારી સિદ્ધિ
પ્રતિમાબહેન ગૌરવભેર કહે છે, ‘ગુજરાતી નાટકક્ષેત્રે એકમાત્ર મને પેરિસમાં ત્રણ વખત ગુજરાતી નાટક ભજવવાનું સૌભાગ્ય મળ્યું છે. અભિનય ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ હું એવી એકમાત્ર ગુજરાતી એક્ટ્રેસ છું, જેનું બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ત્યાંના એમપી દ્વારા પાંચ વખત સન્માન કરવામાં આવ્યું છે. સૌથી વધુ વિદેશ ટૂર કરનારી ગુજરાતી અભિનેત્રી તરીકે મારો હાલમાં વિશ્વવિક્રમ છે. આટલા બધા દેશોમાં આટલા બધા શો કરવાથી જ મને મારા ચાહકો દ્વારા ‘લેડી અમિતાભ’નું બિરુદ અપાયું છે.’ એટલું જ નહીં ઝામ્બિયા, બોટ્સવાના અને મલાવીમાં પ્રથમ ગુજરાતી નાટક પ્રતિમાબહેન દ્વારા જ ભજવાયું હતું.


