મુંબઇમાં અંધેરીના ઓશિવિરામાં એક રહેણાંક મકાન પર ગોળીબારની ઘટના સંદર્ભમાં શનિવારે અભિનેતા કમાલ રશીદ ખાનની ધરપકડ કરાઇ હતી. કેઆરકે તરીકે જાણીતો આ અભિનેતા અગાઉ પણ અનેક વખત વિવાદમાં સપડાયો છે. કોર્ટે તેને 27 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી આપી હતી. ઓશિવરા વિસ્તારમાં નાલંદા સોસાયટીમાં બે ગોળીઓ ચલાવવામાં આવી હતી. બિલ્ડિંગના બીજા માળેથી એક ગોળી અને ચોથા માળેથી એક ગોળી મળી આવી હતી. શરૂઆતમાં ગોળીબાર કોણે કર્યો તે સ્પષ્ટ નહોતું. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં પણ કંઈ મળ્યું ન હતું. જોકે ફોરેન્સિક વિશ્લેષણ અને અન્ય માહિતી મુજબ આ ફાયરિંગ ઘટનાસ્થળની નજીક રહેતા કમાલ રશીદ ખાને કરી હોવાનું માલૂમ પડયું હતું. આ પછી અભિનેતાને શુક્રવારે મોડી રાતે પૂછપરછ માટે ઓશિવિરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પૂછપરથમાં તેણે લાઈસન્સ ધરાવતી બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની કબૂલાત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે ગોળીબાર આકસ્મિક રીતે થયો હતો. તે બંદૂકને સાફ કરતો હતો ત્યારે ટ્રિગર દબાઈ જતા ફાયરિંગ થઈ હતી. પછી અભિનેતાએ જણાવ્યું હતું કે તેણે બંદૂકની ક્ષમતા ચકાસવા માટે ગોળીબાર કર્યો હતો.

