અભિનેતા ગોવિંદા મંગળવારે મોડી રાતે તેના ઘરમાં જ બેહોશ થઈ જતાં પરિવારમાં દોડધામ થઇ ગઇ હતી. તેને હોસ્પિટલમાં ખસેડાયા બાદ ચેકઅપ પછી બપોર સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાતાં તે ઘરે પરત ફર્યો હતો અને હવે તેની તબિયત સારી છે.
61 વર્ષીય ગોવિંદાના દાવા મુજબ બહુ હેવી વર્ક આઉટના કારણે તેને આ અસર થઈ હતી. તેને મંગળવારે મોડી રાતના માથાનો સખત દુખાવો, માથું ભારી લાગવું અને ચક્કર આવવા જેવી તકલીફો થઇ હતી. અને પછી ઘરમાં અચાનક જ બેહોશ થઇ ગયો હતો. બાદમાં તેને ફેમિલી ડોકટરે ફોન પર જણાવેલી દવા અપાઇ હતી, સાથે સાથે જ તેના તબીબે તેને ન્યૂરોલોજિસ્ટને કન્સલ્ટ કરીને જરૂરી ચેકઅપ માટે સલાહ આપી હતી. આથી તેને મંગળવારે રાત્રે જ હોસ્પિટલાઇઝ્ડ કરાયો હતો. તેને તબીબી ટેસ્ટ અને સારવાર પછી બીજા દિવસે ઘરે જવાની રજા અપાઇ હતી. બાદમાં ગોવિંદાએ હોસ્પિટલના દરવાજાની બહાર તેની રાહ જોઇ રહેલા મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરીને પોતે હવે સાજો થઇ ગયો હોવાનું જણાવ્યું હતું.
હોસ્પિટલમાં તેની સાથે તેના પરિવારજનમાંથી કોઇ પણ નહોતું. જોકે, તેના સેક્રેટરીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેમના પત્ની સુનીતા મુંબઇ બહાર એક લગ્નમાં હાજરી આપવા ગયા હતાં, જે મોડી રાતના હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યારે દીકરી ટીના કામ માટે ચંદીગઢ ગઇ હોવાથી સાંજે પહોંચી હતી.


